રામ મંદિરમાં મૂર્તિઓ બનાવવા માટે ઉપયોગ થતા શાલીગ્રામ પત્થરને તમે પણ રાખી શકો છો ઘરમાં, શું છે તેનું મહત્ત્વ?
અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન શ્રીરામ અને માતા સીતાની મૂર્તિ હાલમાં ચર્ચાનો વિષય બનેલી છે. આ મૂર્તિ વિશેષ પત્થરોમાંથી બનાવવામાં આવી રહી છે. વર્ષ 2024ની મકરસંક્રાંતિ સુધી આ મૂર્તિઓ બનીને તૈયાર થઇ જશે. આ મૂર્તિઓ શા માટે શાલીગ્રામ પત્થરમાંથી બનાવવામાં આવી રહી છે. આખરે શાલીગ્રામ પત્થરોનું મહત્ત્વ શું છે?
શાલિગ્રામ પત્થર કેમ છે ખાસ?
હિન્દુ ધર્મમાં શાલિગ્રામ પત્થરનું વિશેષ મહત્ત્વ છે. આ પત્થરને ભગવાનનું સ્વરૂપ માનીને પુજા કરવામાં આવે છે. તેને સાલગ્રામના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. શાલિગ્રામ શિવલિંગની જેમ જ દુર્લભ હોય છે, જે દરેક જગ્યાએ મળતા નથી. તે ઘણા રંગોના હોય છે. ચમકતા શાલીગ્રામ સૌથી દુર્લભ માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા છે શાલિગ્રામ
શાસ્ત્રો અનુસાર શાલિગ્રામ 33 પ્રકારના હોય છે. તેમાં 24 પ્રકારને ભગવાન વિષ્ણુના 24 અવતારો સાથે જોડવામાં આવે છે. આ કારણે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ સ્વરૂપ માનવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુના વિગ્રહ રુપમાં શાલિગ્રામની પુજા થાય છે. એવુ માનવામાં આવે છે કે શાલિગ્રામ ગોળ છે, તો તે ભગવાન વિષ્ણુનુ ગોપાલ રૂપ છે અને માછલી આકારમાં છે તો તે મત્સ્ય અવતારનુ પ્રતીક માનવામાં આવે છે. જો કાચબાના આકારમાં શાલિગ્રામ છે તો તેને કચ્છપ અવતાર માનવામાં આવે છે. શાલિગ્રામ પર ઉભરેલા ચક્ર અને રેખાઓ વિષ્ણુજીના અન્ય અવતારો અને રુપોનું પ્રતિક છે. વિષ્ણુજીના ગદાધર રૂપમાં એક ચક્રનું ચિહ્ન હોય છે. લક્ષ્મીનારાયણ રૂપમાં બે, ત્રિવિક્રમમાં ત્રણ, ચુતુર્વ્યુહ રૂપમાં ચાર, વાસુદેવમાં પાંચ ચક્ર હોય છે. શાલિગ્રામ શિલા સનાતન ધર્મમાં ખુબ મહત્ત્વ ધરાવે છે કેમકે દરેક મઠ મંદિરોમાં શાલિગ્રામનો પત્થર હોય છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.
ઘરમાં શાલીગ્રામ રાખવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે
જ્યાં શાલિગ્રામની પૂજા થાય છે, ત્યાં ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મી પણ નિવાસ કરે છે. શાલિગ્રામ શિલાનું જળ જે પોતાના ઉપર છાંટે છે, તેમને તીર્થમાં સ્નાન કરવા સમાન પુણ્ય મળે છે. જે વ્યક્તિ રોજ સવારે શાલિગ્રામનો જળથી અભિષેક કરે છે, તેને ખુબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસી અને શાલિગ્રામજીના લગ્ન કરાવવાથી કન્યાદાન સમાન પુણ્ય મળે છે. પૂજામાં શાલિગ્રામનો અભિષેક કરો. ચંદન લગાવીને તુલસી દળ અર્પણ કરવા જોઈએ. જે ઘરમાં શાલિગ્રામ હોય, તે તીર્થ સમાન હોય છે. જે ઘરમાં શાલિગ્રામનું રોજ પૂજન થાય છે, ત્યાં વાસ્તુદોષ અને અન્ય વિઘ્ન દૂર થઈ જાય છે.
આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, ‘બજા દો શહેનાઈ… હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થશે’