તમે ખુદ ગોલ્ડ છો, તમે જે મેળવ્યું તે મેડલથી પણ ઉપર છે, વિનેશના ડિસ્ક્વોલિફાય થવા પર સેલેબ્સની પ્રતિક્રિયા
- ઝોયા અખ્તરે વિનસ માટે સુંદર પોસ્ટ લખીને કહ્યું છે, તમે પોતે પ્યોર ગોલ્ડ છો. તમે અત્યાર સુધી જે મેળવ્યું છે તે તો મેડલ કરતા ક્યાંય વધુ છે
7 ઓગસ્ટ, મુંબઈઃ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય કરવામાં આવી તેનાથી આખો દેશ નિરાશ થયો છે. જાણે કે દરેક વ્યક્તિનું ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું તુટી ચૂક્યું છે. બોલિવૂડ સેલિબ્રિટીસ પણ આ સમાચાર જાણીને નિરાશ થયા છે, પરંતુ દરેક વ્યક્તિએ વિનેશને આશ્વાસન આપવાની કોશિશ કરી રહી છે.
બોલિવૂડ અભિનેતા વિકી કૌશલે લખ્યું છે, ‘વિનર’. ઝોયા અખ્તરે વિનસ માટે સુંદર પોસ્ટ લખીને કહ્યું છે, તમે પોતે પ્યોર ગોલ્ડ છો. તમે અત્યાર સુધી જે મેળવ્યું છે તે તો મેડલ કરતા ક્યાંય વધુ છે. ફરહાન અખ્તરે પોસ્ટમાં લખ્યું છે, ‘અમને તમારા પર ગર્વ છે. તમે અમારા માટે હંમેશા ચેમ્પિયન જ રહેશો. સોનાક્ષી સિન્હાએ કહ્યું, ‘હું કલ્પના પણ નથી કરી શકતી કે હાલમાં તમારી પર શું વીતી રહ્યું હશે. તમે પહેલા પણ હતા, અત્યારે પણ છો અને ભવિષ્યમાં પણ ચેમ્પિયન જ રહેશો.
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના નેતા હેમા માલિનીએ કહ્યું કે આ ખૂબ જ આશ્ચર્યજનક અને વિચિત્ર છે કે તમે કોઈને એટલા માટે અયોગ્ય ઠેરવી રહ્યાં છો કારણ કે તેનું વજન 100 ગ્રામ વધુ છે. વજનને નિયંત્રણમાં રાખવું કેટલું જરૂરી છે તે હવે સમજાયું. આપણા બધા માટે, ખાસ કરીને મહિલાઓ માટે આ એક પાઠ છે. તેની પરથી શીખ લેવી જોઈએ. હું ઈચ્છીશ કે તે ઝડપતી 100 ગ્રામ વજન ઓછું કરે, જોકે હવે તેને ફાઇનલ રમવાની તક નહીં મળે.
હેમા માલિની ઉપરાંત તાપસી પન્નુએ પણ વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કર્યાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, આ સમાચારે મારું દિલ તોડી નાખ્યું, પરંતુ સાચું કહું તો આ મહિલાએ આખી દુનિયાને પોતાની જે તાકાત બતાવી છે, જે ગોલ્ડ કરતાં પણ વધુ છે.
અભિનેતા અને ગાયક સુશાંત દિવગીકરે પણ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે કે, હમણાં જ સાંભળ્યું કે વિનેશ ફોગાટને લગભગ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી છે. હૃદય તૂટી ગયું છે, પરંતુ તે હકીકતને બદલાશે નહીં કે જે દિવસે તેણે હાલની વિશ્વ ચેમ્પિયન સાથે કુસ્તી કરી, તે જ દિવસે તેણે જીત મેળવી લીધી હતી. મારા માટે એજ વાત તેને ચેમ્પિયન બનાવે છે. અભિનંદન ચેમ્પિયન!
આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં શા માટે અયોગ્ય ઠેરવવામાં આવી, કુસ્તીમાં વજન અંગેના નિયમો શું છે?