યુપીમાં યોગી બાબાનો તરખાટ : ડ્રગ્સ માફિયાની અઢી કરોડની મિલકત જપ્ત કરાઈ


- હેરોઈન સ્મગલર સરફરાઝ અન્સારી પર કાર્યવાહી
- જિલ્લાભરના ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો
- ગેરકાયદે મિલકત અંગે 10મી માર્ચના રોજ પોલીસ અધિક્ષકને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો
યુપીના ગાઝીપુરમાં પોલીસ પ્રશાસને રવિવારે હેરોઈન સ્મગલર સરફરાઝ અન્સારી પર કાર્યવાહી કરી હતી. શહેરની બહુપુરા કોલોનીમાં આવેલી સરફરાઝની 2 કરોડ 50 લાખ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગેંગસ્ટર એક્ટ હેઠળ લેવાયેલી આ કાર્યવાહીથી જિલ્લાભરના ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.
સરફરાઝ જેલમાં છે બંધ
શહેર કોતવાલીના નુરુદ્દીનપુરામાં રહેતો સરફરાઝ અંસારી એક ગેંગ બનાવી હેરોઈનની દાણચોરીનો ધંધો કરે છે. હાલ તે જિલ્લા જેલમાં બંધ છે. તેના કાળા કારનામાની તપાસ રામપુર માંઝા પોલીસ સ્ટેશનના વડા સંતોષ રાય દ્વારા કરવામાં આવી હતી. 10મી માર્ચના રોજ પોલીસ અધિક્ષકને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
એસપીની ભલામણ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આપી મંજૂરી
પોલીસ અધિક્ષકે 18 માર્ચે ભલામણ કરી હતી. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટે કાર્યવાહી પર મહોર લગાવી હતી. સિટી કોતવાલી પોલીસની ટીમ રવિવારે બપોરે એક વાગ્યે બહુપુરા વિસ્તારમાં પહોંચી હતી અને સુરક્ષાના દૃષ્ટિકોણથી પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. સીઓ સિટી ગૌરવ કુમારના નેતૃત્વમાં પોલીસ અને રેવન્યુની ટીમે મુનાડી કરાવી હતી.
તંત્રએ જપ્ત કરેલી મિલકત રૂ.અઢી કરોડની
રેવન્યુ ટીમે બહુપુરા વિસ્તારમાં 322 ચોરસ મીટર વિસ્તારમાં બનેલા દાણચોર સરફરાઝ અંસારીના ઘરને એટેચ કર્યું હતું. તેની બજાર કિંમત 2 કરોડ 50 લાખ રૂપિયા છે. એસપી ઓમવીર સિંહે જણાવ્યું કે સ્મગલર સરફરાઝ અંસારી એક ગેંગ બનાવીને ડ્રગ્સની દાણચોરી કરે છે. ડીએમની સૂચના પર ગેંગસ્ટર એક્ટની કલમ 14(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આવા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે.