આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયા એટલે યોગ: પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજી

- કબીર જયંતી: યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી: પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
કબીર જયંતી અને વટસાવિત્રી પૂર્ણિમાના પાવન દિને સમર્પણ આશ્રમ, મહુડીમાં હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાક્ષાત્ સાંનિધ્યમાં દર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણિમાના ચન્દ્રની શીતળતામાં સાધકોએ પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં એક અલગ ઊર્જાનો અનુભવ કર્યો હતો. ગ્રીષ્મના તાપ વચ્ચે સવારમાં વર્ષાનું પણ જાણે ગુરુ સાંનિધ્યનો લાભ લેવા આગમન થયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોના સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. શંખનાદ અને ધૂનના પાવન સુરો વચ્ચે પૂજ્ય ગુરુમા અને પૂજ્ય સ્વામીજીનું આગમન થયું. કબીર જયંતીનો ઉલ્લેખ કરીને પૂજ્ય શ્રી સ્વામીજીએ જણાવ્યું કે કબીરજીએ, “મુઝકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં”; આ પંક્તિમાં એકદમ સ્પષ્ટ જણાવ્યું છે કે જેને આપણે બહાર શોધીએ છીએ તે ખરેખર આપણી અંદર છે. આ વાત જેટલી જલ્દી સમજાઈ જશે એટલી આધ્યાત્મિક પ્રગતિ જલ્દી થઈ શકશે. તેઓ જે માર્ગે ભીતર પહોંચ્યા તે માર્ગ તેઓએ લોકોને દેખાડ્યો છે. આ માર્ગ છે યોગમાર્ગ, જેના દ્વારા અંતર્મુખી થઈ શકાય છે.
ભારત દેશના પ્રયત્નોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે, પરંતુ ખરા અર્થમાં યોગ શું છે, યોગનો ઉદ્દેશ શું છે તે જાણવાની જરૂર છે. ખરેખર સમગ્ર યોગનો પ્રચાર કરવાની આવશ્યકતા છે. મનુષ્ય જે પરમાત્માની ખોજ બહાર કરી રહ્યો છે તે બહાર નથી, ભીતર છે.ભીતર કઈ રીતે જઈ શકાય? યોગ દ્વારા. આત્માને પરમાત્મા સાથે જોડવું તે યોગ છે, તો પ્રશ્ન થાય કે આત્મા અને પરમાત્મા અલગ છે? ના, આત્મા અને પરમાત્મા અલગ નથી. જેમ ગંગા નદીનું શુદ્ધ પાણી બોટલમાં ભરવામાં આવે કે લોટામાં ભરવામાં આવે તે એક જ રહે છે. એ જ રીતે સ્ત્રી હોય કે પુરુષ હોય, તેનામાં રહેલો આત્મા એક જ છે. ફક્ત લિંગ ભેદનો ફેર હોય છે. પરમાત્માને શોધવા તીર્થયાત્રા કરવાની જરૂર નથી, એ તમારી ભીતર છે એ સમજાવવાનો પ્રયાસ કબીરજીએ કર્યો હતો.
શોધવાના એને હોય કે જે બહાર હોય, પરમેશ્વર બહાર નથી, તમારી ભીતર છે, જેને મહેસૂસ કરવાનો છે. વ્યક્તિને આ આત્મા સતત માર્ગદર્શન આપે છે, પરંતુ જ્યાં સુધી તેનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી માણસ તેની પાસેથી માર્ગદર્શન મેળવી શકશે નહીં. જેમ આપણે આપણો ચહેરો જોવા મિરરની આવશ્યકતા છે, એ જ રીતે જ્યાં સુધી જીવનમાં મિરરરૂપી ગુરુ નહીં આવે ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. ભારતીય સંસ્કૃતિ એક જ એવી છે કે જેમાં પરમાત્માની જીવંત પરિકલ્પના છે – ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ કહેવાય છે. શરીરધારી ક્યારેય પરમાત્મા નથી હોતા તો પરમાત્માકોણ છે? ખરેખર પરમાત્મા એ ગુરુની અંદર વહી રહેલી શક્તિ છે.
21 જૂન યોગ દિવસને લઈને પૂજ્ય સ્વામીજી અષ્ટાંગ યોગની આધ્યાત્મિક સમજૂતી આપી હતી. તેઓએ જણાવ્યું કે યોગ એ શારીરિક ક્રિયા નથી. યોગ અલગ છે, યોગાસન અલગ છે. દરેક સમસ્યાનો ઉકેલ યોગમાં છે. યોગ દ્વારા એક સકારાત્મક આભામંડળ બનશે, જેના દ્વારા એક સુરક્ષા કવચ પ્રાપ્ત થશે. ધ્યાન પ્રયત્ન દ્વારા કરવાની ચીજ નથી. શરીરભાવ ઓછો થવાથીઆપોઆપ ધ્યાન લાગી જશે. પ્રવચન બાદ એમણે સાધકોના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. ભજનની સંગાથે પાદુકાનમનમાં સાધકોએ ભાગ લીધો હતો. પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય ગુરુમાનાં દર્શન કરી સાધકો ધન્ય બન્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ગુરુતત્ત્વ ટીમ અને ગુરુકાર્યરત સાધકોએ જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: મોરબી ઝૂલતા પુલ કેસઃ બે આરોપીને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન; એક શરતે મળી રાહત