મુસ્લિમોના પવિત્ર મક્કામાં યોજાઈ યોગ સ્પર્ધા
સાઉદી અરબ, 31 જાન્યુઆરી : મુસ્લિમ દેશોના કટ્ટરપંથીઓ ભારતીય યોગને એટલું સમર્થન નથી કરતા પરંતુ સૌથી મોટો મુસ્લિમ દેશ ગણાતો સાઉદી અરબ હવે લિબરલ બની રહ્યો છે. મુસ્લિમોના પવિત્ર શહેર મક્કામાં યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ ચેમ્પિયનશિપનું આયોજન 27 જાન્યુઆરીના રોજ મક્કા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ, 2જી સાઉદી ઓપન યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન અલ-વેહદા સાઉદી ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓએ ભાગ લીધો હતો અને યોગાસન કર્યા હતા. એટલું જ નહીં ઉત્કૃષ્ટ યોગાસન કરનાર બાળકોને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ચેમ્પિયનશિપ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેઓએ યોગાસન જોઇને ભાગ લેનારાઓની પ્રશંસા પણ કરી હતી.
સાઉદી અરબના વિવિધ શહેરોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
જ્યારે વિશ્વના ઘણા મુસ્લિમ દેશોમાં દક્ષિણપંથી જૂથોના લોકો યોગનો વિરોધ કરે છે, પરંતુ સાઉદી અરબમાં સફળતાની સાથે તેનું આયોજન થયું. આ ચેમ્પિયનશિપમાં સાઉદીના વિવિધ શહેરોમાંથી 10 છોકરા અને 54 છોકરીઓએ ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં પધારેલા ભારતના કોન્સ્યુલ જનરલ મોહમ્મદ શાહિદ આલમે કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે 2017થી સાઉદી અરબમાં યોગને રમતગમતની એક પ્રવૃત્તિ તરીકે માન્યતા આપવામાં આવી છે અને સાઉદી યોગ સમિતિએ યોગ પર સતત કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેનાથી સામાન્ય લોકોમાં તેની લોકપ્રિયતા વધી છે.
સાઉદીમાં વધી યોગની લોકપ્રિયતા
યોગાસન ચેમ્પિયનશિપનું સફળ આયોજન સાઉદી અરેબિયામાં યોગની વધતી જતી લોકપ્રિયતાને દર્શાવે છે. આ ચેમ્પિયનશીપમાં મક્કા ઉપરાંત જેદ્દાહ, મદીના, તાઈફ અને દેશના અન્ય શહેરોના પાર્ટિસિપન્ટ્સ પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ સાઉદી અરેબિયન ઓલિમ્પિક સમિતિ અને રમતગમત મંત્રાલયની દેખરેખ હેઠળ યોજાયો હતો, જે એક કાયદેસરની રમત પ્રવૃત્તિ તરીકે યોગની સત્તાવાર માન્યતા દર્શાવે છે. સાઉદી યોગ સમિતિના અધ્યક્ષ નૌફ અલ-મરવાઈ ખુદ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવેમ્બર 2017માં સાઉદીમાં યોગને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ, મે 2021 માં સાઉદી યોગ સમિતિની રચના થઈ, જેને પાછળથી નવા સાઉદી યોગ ફેડરેશન તરીકે ઓળખવામાં આવ્યું.
આ પણ વાંચો : અમેરિકાના H-1B વિઝા માટે નવો નિયમ, ભારતીયોને ફાયદો થશે?