પાલનપુર, પરીવર્તન ગ્રુપ દ્વારા જિલ્લા સબ જેલ પાલનપુર ખાતે કેદીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેદીઓના જીવનમાં બદલાવ આવે તેવા હેતુથી પરિવર્તન ગ્રુપ અને જિલ્લા જેલ દ્વારા છઠ્ઠા વર્ષે ત્રિ-દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું હતુ. જેલમાં રહેલ કેદીઓના વૈચારિક બદલાવ અને શાંતિ મળે તથા જેલમાંથી જ્યારે પણ બહાર આવે ત્યારે સમાજ જીવનમાં પોતાનું જીવન પુનઃ સ્થાપિત થાય તેવા આશયથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ અંગે પરિવર્તન ગ્રુપ, પાલનપુરના ચેરમેન મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે, જેલમાં રહેલા કેદીઓ પાસે ખુબ જ સમય હોય છે એમના આ સમયમાં વૈચારિક બદલાવ આવે અને માનસિક રીતે મજબૂત થઈ બહાર આવી સમાજ જીવનમાં જોડાય તેવા હેતુથી પરિવર્તન ગ્રુપ દ્વારા છેલ્લા છ વર્ષથી યોગના માધ્યમ દ્વારા કાર્ય કરવામાં આવે છે.
આ અંગે જેલ અધિક્ષક ગોહિલે જણાવ્યું હતુ કે, જેલમાં રહેલા કેદીઓ માટે વિવિધ આયોજનનાં ભાગરૂપે પરિવર્તન ગ્રુપ, પાલનપુર દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું છે જેમાં જેલમાં રહેતા કેદીઓ ભાગ લઈ પોતાના જીવનમાં બદલાવ લાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવર્તન ગ્રુપ, પાલનપુર દ્વારા જિલ્લા જેલના કેદીઓને અગાઉ પુસ્તક વિતરણ કરી તેમનું વાંચન વધારી સારા રસ્તે વાળવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.