Year Ender 2023: ફક્ત હાર્ટ એટેક નહીં, હ્રદયની આ બીમારીઓએ પણ કર્યા પરેશાન
- નવા વર્ષ 2024માં હૃદયના આરોગ્ય સામેના પડકારો હજુ ઓછા થયા નથી, પરંતુ તેના પર નિયંત્રણ મેળવી શકાય તે માટે તમામે સાથે મળીને પ્રયત્નો કરતા રહેવા પડશે.
કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વૈશ્વિક સ્તરે ગંભીર આરોગ્ય સમસ્યા બનીને ઉભરી રહ્યા છે. થોડા દાયકા પહેલાં હૃદયની બીમારી વૃદ્ધોને જ થાય તેવી માન્યતા હતી, પણ હવે યુવાવસ્થામાં પણ લોકો તેનો શિકાર બનવા લાગ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધોમાં હૃદયની સમસ્યાઓનું નિદાન થઈ રહ્યું છે. જો આપણે વર્ષ 2023 માં હૃદયની સમસ્યાઓ પર એક નજર નાખીએ, તો ખ્યાલ આવશે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને કોરોના રોગચાળા પછી હૃદયની સમસ્યાઓ વધી છે.
તબીબોનું કહેવું છે કે, નવા વર્ષ 2024માં હૃદયના આરોગ્ય સામેના પડકારો હજુ ઓછા થયા નથી, પરંતુ તેની પર કન્ટ્રોલ મેળવી શકાય તે માટે તમામે સાથે મળીને પ્રયત્નો કરતા રહેવા પડશે. આ વર્ષમાં માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ હૃદયની અન્ય સમસ્યાઓએ પણ લોકોને પરેશાન કર્યા છે.
2023માં વધ્યા હાર્ટ એટેકના કેસ
વર્ષ 2023માં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં વધારો થયો તેવું તમે પણ સાંભળ્યું હશે. આ વર્ષે દેશભરમાં હાર્ટ એટેકના કેસ સતત નોંધાયા છે. ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં, રાજ્યમાં કુલ 1,052 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે, જેમાંથી 80 ટકા મૃતકો 11-25 વર્ષના હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2022માં હાર્ટ એટેકના કેસોમાં 12.5%નો આશ્ચર્યજનક વધારો થયો હતો, આ ગતિ 2023માં પણ ચાલુ રહી હતી
જાન્યુઆરીની શરૂઆતમાં, દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન પંજાબમાં જલંધરથી કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને પણ હાર્ટ એટેક આવ્યો , ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી થઈ અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યુ, જેના વિશે તેણે માર્ચમાં મીડિયાને જણાવ્યું હતું.
કાર્ડિયાક એરેસ્ટ બન્યા મૃત્યુનું કારણ
હાર્ટ એટેકની સાથે સાથે હ્રદય રોગની અન્ય સમસ્યાઓએ પણ લોકોને પરેશાન કર્યા. કાર્ડિયાક એરેસ્ટ પણ તેમાનો એક છે. ઓગસ્ટ મહિનામાં, પેપરફ્રાય કંપનીના કો-ફાઉન્ડર અંબરીશ મૂર્તિનું લેહમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું , તેઓ 44 વર્ષના હતા. તેવી જ રીતે, 33 વર્ષીય બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર લારિસા બોર્ગેસનું પણ ડબલ કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયુ આ સમાચારે લોકોને ચોંકાવી દીધા.
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ અલગ છે
કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક બંને હાર્ટની અલગ અલગ સમસ્યાઓ છે. હાર્ટ એટેક એ કોરોનરી ધમનીઓમાં અવરોધને કારણે થતી સમસ્યા છે. જો આ સ્થિતિની સારવાર ન કરવામાં આવે તો, હૃદયમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે અને તેને પૂરતો ઓક્સિજન મળતો નથી. કાર્ડિયાક અરેસ્ટ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિનું હૃદય લોહીને પમ્પ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં દર્દી સામાન્ય રીતે શ્વાસ પણ લઈ શકતો નથી.
એન્યુરિઝ્મ પણ એક મોટો ખતરો
હાર્ટની સમસ્યાઓ વિશે વાત કરતી વખતે, મોટાભાગે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટની જ ચર્ચા થાય છે, પરંતુ એન્યુરિઝ્મ પણ મોટો ખતરો છે. જર્મન ફિટનેસ ઇન્ફ્લુએન્સર અને બોડી બિલ્ડર જો લિન્ડનરનું આ વર્ષે જુલાઈમાં આ જ કારણે મૃત્યુ થયું હતુ, તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી.
એન્યુરિઝ્મને ધમનીવિસ્ફાર પણ કહેવામાં આવે છે. તે ઘમનીઓની દિવાલમાં નબળાઈને કારણે ધમનીઓના વિસ્તરણની સમસ્યા છે. તેના કારણે ધમનીઓ બ્રેક થાય છે જે ઘાતક જટિલતાઓને જન્મ આપે છે. ડોકટરો એન્યુરિઝ્મના વધતા જોખમો વિશે ચેતવણી આપે છે.
GEN-Z વાળા લોકોએ સતર્ક રહેવું
હૃદય રોગની સમસ્યાઓના વય-આધારિત જોખમને જાણવા માટે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે GEN-Z જૂથના લોકોમાં ગંભીર હૃદય રોગ અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
બાળપણ અને કિશોરાવસ્થામાં સ્થૂળતા અથવા વધુ BMIની સમસ્યા હૃદયના રોગોને વધારી રહી છે. આ સિવાય યુવાનો અને પુખ્ત વયના લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી છે, જેને કારણે હૃદયની બીમારીઓ વધી છે.
હવે 2024માં આ રીતે રાખજો હૃદયની સંભાળ
- તંદુરસ્ત આહાર લો, પ્લાન્ટ બેઝ્ડ ખોરાક વધુ લો.
- સક્રિય રહો, નિયમિત કસરતની આદત પાડો.
- વજનને કન્ટ્રોલમાં રાખો.
- ધૂમ્રપાન અને સેકન્ડ હેન્ડ સ્મોક બંનેથી દૂર રહો.
- તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયમિતપણે તપાસો અને તેને નિયંત્રણમાં રાખો.
- દારૂનું સેવન બિલકુલ ન કરો.
- તણાવનું સંચાલન કરો.
આ પણ વાંચોઃ યુવાનો, હાર્ટ એટેકનો ખતરો ઘટાડવા માટે તમારી આ આદતો બદલી દો