જિનપિંગના રશિયા પ્રવાસથી ભારત-રુસના સંબધોમાં કોઈ નુકશાન નહીં પહોંચે : રાજદૂત અલીપોવ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે રશિયાના ત્રણ દિવસના પ્રવાસે મોસ્કો પહોંચ્યા હતા. જ્યારે તેઓ રશિયા પહોંચ્યા તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું સ્વાગત કર્યું હતું. જો કે ભારત પણ તેમની મુલાકાત પર નજર રાખી રહ્યું છે. આ મામલે રશિયન રાજદૂતે કહ્યું કે શી જિનપિંગની મોસ્કો મુલાકાતથી રશિયા-ભારત સંબંધો પર કોઈ અસર નહીં પડે. રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે આ સૂચનને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે મોસ્કો અને બેઇજિંગ વચ્ચેના સંબંધો રશિયા અને ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડશે.
રશિયા-ચીન સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે
શી જિનપિંગનો એક લેખ રશિયન અખબાર રશિયન ગેઝેટમાં પ્રકાશિત થયો છે. શી જિનપિંગે આ લેખમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો લખી છે. જિનપિંગે લખ્યું છે કે 10 વર્ષ પહેલા જ્યારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ બન્યા હતા, ત્યારે તેમણે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે રશિયા હતો. છેલ્લા દસ વર્ષમાં શી જિનપિંગે 10 વર્ષમાં આઠ વખત મોસ્કોની મુલાકાત લીધી છે. ઉપરાંત, પુતિન અને જિનપિંગ દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાટાઘાટો દ્વારા કુલ 40 વખત મળ્યા છે. લેખમાં, જિનપિંગે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો જેથી કરીને કોઈપણ દેશની એકાધિકાર, વર્ચસ્વને ખતમ કરી શકાય. શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન મંગળવારે મળશે.
પુતિન સામે વોરંટ જારી કરવામાં આવ્યું હતું
જિનપિંગની રશિયાની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વ્લાદિમીર પુતિન વિરુદ્ધ યુદ્ધ અપરાધોના આરોપમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. એવું માનવામાં આવે છે કે પુતિનની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી આ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે કારણ કે ક્રિમિનલ કોર્ટમાં 123 દેશના સભ્યો છે. વ્લાદિમીર પુતિને યુક્રેન મુદ્દે સંતુલિત વલણ અપનાવવા બદલ શી જિનપિંગનો પણ આભાર માન્યો હતો.