બ્રિજભૂષણ વિરુદ્ધ કુસ્તીબાજોએ કરી મહત્વની જાહેરાત
ઈન્ડિયન રેસલિંગ એસોસિએશન અને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ સતત આંદોલન કરી રહેલા કુસ્તીબાજો હવે તેમની લડાઈ રસ્તા પરના બદલે કોર્ટમાં લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે પરંતુ હવે રસ્તા પર દંગલ નહીં થાય. મહિલા રેસલર સાક્ષી મલિકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
“જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત રહેશે ચાલુ”
સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ટ્વીટમાં લખ્યું, ‘7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી. સરકારે કુસ્તીબાજોને આપેલા વચનનો અમલ કરીને મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા મહિલાઓના ઉત્પીડન અને યૌન શોષણ અંગેની ફરિયાદોના કેસમાં એફઆઈઆર નોંધી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કુસ્તીબાજોની કાનૂની લડાઈ રસ્તા પરના બદલે કોર્ટમાં ચાલુ રહેશે.’
— Sakshee Malikkh (@SakshiMalik) June 25, 2023
સાક્ષી મલિક વિનેશ ફોગાટે સોશિયલ મીડિયાથી લીધો બ્રેક
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કુસ્તી સંઘના સુધારાના સંબંધમાં, નવા કુસ્તી સંઘની ચૂંટણીની પ્રક્રિયા વચન મુજબ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી 11 જુલાઈએ યોજાવાની છે. સરકાર દ્વારા કુસ્તીબાજોને આપવામાં આવેલા વચનોના અમલીકરણની રાહ જોવાશે.” આ સાથે સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે થોડા દિવસો માટે સોશિયલ મીડિયાથી બ્રેક લીધો છે, જેની જાણકારી બંનેએ પોતાના ટ્વિટ દ્વારા આપી છે.
5 મહિના સુધી કુસ્તીબાજોએ કર્યુ વિરોધ પ્રદર્શન
દેશના જાણીતા કુસ્તીબાજોએ છેલ્લા 5 મહિનાથી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવતા કુસ્તીબાજોએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણના રાજીનામાની માંગ સાથે તેમની ધરપકડની પણ માંગ કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ 2 FIR નોંધી છે. જોકે, બાદમાં સગીર કુસ્તીબાજએ એફઆઈઆરમાં લગાવેલા તેના આરોપો પાછા ખેંચી લીધા હતા.