WPL-2023 : એવા મહિલા ક્રિકેટરની સંઘર્ષમય ગાથા જેમણે ઈંટથી વર્કઆઉટ કર્યું ! ક્રિકેટની જીદ્દ…
મહિલા આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. થોડા દિવસો પહેલા મહિલા પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી જેમાં ભારત મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના સૌથી મોંધી ખેલાડી બની હતી. તે સિવાય ભારતીય ટીમની બીજીઘણી મહિલા ખેલાડીઓને સારી એવી કિંમતમાં ખરીદવામાં આવી છે. આજે ભારતીય મહિલા ટીમને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. મહિલા પ્રીમિયર લીગ દ્વારા, BCCI દેશમાં મહિલા ક્રિકેટનું સ્તર ઉંચુ લાવવાનો પ્રયાસ કરી રહી છે. મહિલા ક્રિકેટ છેલ્લા કેટલાક વર્ષોમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જાણીએ મહિલા ક્રિકેટની અદભૂત વાતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મહિલા ક્રિકેટ માત્ર લોકપ્રિય જ નથી થયું પરંતુ તેનું સ્તર પણ ઘણું વધી ગયું છે. મહિલા ક્રિકેટરો હવે નામથી જાણીતી થઇ છે. મહિલા ક્રિકેટ મેચની ટિકિટ માટે હવે લાઇનો લાગે છે. હવે BCCIની મહિલા પ્રીમિયર લીગ (WPL) સાથે મહિલા ક્રિકેટમાં પૈસા અને ગ્લેમર બંનેનો સમાવેશ થયો છે. મહિલા ક્રિકેટને ફોલો કરતી આજની જનરેશન માટે એ માનવું મુશ્કેલ હશે કે એક સમયે ભારતીય મહિલા ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે યોગ્ય માનવામાં આવતી ન હતી.
આ પણ વાંચો : મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજળું, પહેલી વખત ICC એ કરી મોટી જાહેરાત
મહિલા ક્રિકેટની સફરની વાત કરીએ તો એક સમયે મહિલા ક્રિકેટરો ટ્રેનમાં બેસીને મુસાફરી કરતી હતી. જીમને બદલે તે ઈંટો ઉપાડીને ટ્રેનિંગ કરતી હતી. તેની પાસે બે કેળા ખરીદવાના પણ પૈસા ન હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મહિલા ટીમ મોંઘી લક્ઝરી હોટલોમાં રોકાય છે, બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરે છે. તેની અસર તેની રમત પર પણ જોવા મળી રહી છે. ભૂતપૂર્વ ખેલાડીઓએ જણાવ્યું કે કેવી રીતે મહિલા ક્રિકેટ બદલાયું છે.
આ પણ વાંચો : વિમેન્સ પ્રીમિયર લીગ : સાનિયા મિર્ઝાની ક્રિકેટમાં એન્ટ્રી, આ ટીમ દ્વારા સોંપવામાં આવી મોટી જવાબદારી
ઇંટો ઉપાડીને ટ્રેનિંગ કરતી
પોતાના સમયના સંઘર્ષ વિશે વાત કરતા પૂર્વ ક્રિકેટર સંધ્યા અગ્રવાલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “જ્યારે કોઈ મહિલા બેટ્સમેન મેચ દરમિયાન આઉટ થતો હતો, ત્યારે તે આગળની બેટ્સમેનને ગ્લોવ્સ આપતી હતી. એ સમયે આખી ટીમ પાસે માત્ર બે કીટ હતી જેનાથી આખી ટીમ રમતી હતી. અમે અમારા સાથી ખેલાડીઓને પીઠ પર બેસાડીને કસરત કરતા. ઈંટો ઉપાડીને વેઈટ ટ્રેનિંગ કરતા. અમારી પાસે જીમની સુવિધા પણ નહોતી. જીત્યા પછી અમને પૈસા પણ નહોતા મળતા, માત્ર ટ્રોફી મળતી. પૈસાની અછતને કારણે બહુ લાંબા સમય પછી અમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો મોકો મળ્યો.
આ પણ વાંચો : આ ભારતીય મહિલાએ રચી દીધો ઈતિહાસ, ટી-20માં આવું કરનારી પહેલી ભારતીય ક્રિકેટર
સમાનને બેડ બનાવીને સુતા
પૂર્વ ક્રિકેટર સુસાને તે દિવસોની સંઘર્ષગાથા જણાવતા કહ્યું, ‘અમારા કેમ્પ પટિયાલામાં યોજાતા હતા જ્યાં ઠંડી સહન કરવી અમારા માટે સરળ ન હતી. જમવામાં અમને એક સમયે માત્ર બે જ રોટલી અને શાક મળતું. અમારામાંથી ઘણી સાથી ખેલાડીઓ પાસેતો બે કેળા ખરીદવાના પણ પૈસા ન હતા. આવી સ્થિતિમાં સવારે 5 વાગે ઉઠીને ટ્રેનમાં જવું સરળ નહોતું. અમારી પાસે જીમ, ફિટનેસ ટ્રેનર કે અન્ય કોઈ સુવિધા ન હતી. વધુમાં જણાવ્યું કે મેચ રમવા માટે તેને જનરલ ડબ્બામાં બેસી મુસાફરી કરવી પડતી. એક સીટ પર 6-8 છોકરીઓ બેસતી. પથારી તરીકે અમે અમારા સામાનનો ઉપયોગ કરતા.
બીજાના ઘરે રહેવા મજબૂર હતા
ડાયના એડુલજીએ પણ પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે, ‘ટૂર્નામેન્ટ રમવા માટે અમારી પાસે પુરતી ખેલાડીઓ પણ નહોતી. મુસાફરી દરમિયાન ઘણી વખત અમને ટ્રેનના ટોયલેટ પાસે પણ બેસવું પડતું. અમે વેઇટિંગ રૂમમાં સૂતા. મેચ દરમિયાન અમને હોટલ સુવિધા ન હોતી મળતી. અમને રહેવા હોસ્ટેલની ડોરમેટરી મળતી જેમાં એક રૂમમાં 15-20 છોકરીઓ રહેતી. પૈસાના અભાવે ઘણી મહિલા ખેલાડીઓ વિદેશ પ્રવાસ પર જઈ શકતી ન હતી. અમે વિદેશ પ્રવાસમાં ભારતીય પરિવારોના ઘરે રહેતા. હોટેલની કોઈ સુવિધા નહોતી.