સ્પોર્ટસ

WPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સતત ત્રીજી હાર, ગુજરાત જાયન્ટ્સે 11 રને હરાવ્યું

Text To Speech

વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. સ્મૃતિ મંધાનાની ટીમને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત ત્રીજી હાર છે. અગાઉ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આ સાથે જ ગુજરાત જાયન્ટ્સની ત્રણ મેચમાં આ પ્રથમ જીત છે. ગુજરાત જાયન્ટ્સની ટીમને મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સોફી ડિવાઈને શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીતની સીમા સુધી લઈ જઈ શકી નહોતી. સોફી ડિવાઈને 45 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય હિથર નાઈટે ઝડપી ઈનિંગ રમી હતી. હિથર નાઈટે 11 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ગુજરાત જાયન્ટ્સ તરફથી એશ્લે ગાર્ડનરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે એનાબેલ સધરલેન્ડને 2 સફળતા મળી હતી. આ સાથે જ માનસી જોશીએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.

ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીતવા માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત જાયન્ટ્સ તરફથી સોફિયા ડંકલેએ 28 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ગુજરાત જાયન્ટ્સની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

હરલીન દેઓલ અને સોફિયા ડંકલીની શાનદાર ઇનિંગ્સ

હરલીન દેઓલે 45 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા અને સભીનેની મેઘનાએ અનુક્રમે 19, 16 અને 8 રનનું યોગદાન આપ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી હિથર નાઈટે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મેગન શુટ અને શ્રેયંકા પાટીલને 1-1 સફળતા મળી હતી.

આ પણ વાંચો : PM મોદીનું વતનમાં આગમન, આવતીકાલે ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચનો આનંદ માણશે

Back to top button