વિમેન્સ પ્રીમિયર લીગની 19મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેને બે પોઈન્ટ મળ્યા અને હવે તેના કુલ 12 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ છે. તેને યુપી વોરિયર્સ સામે રમવાનું છે. જો દિલ્હી આગામી મેચ જીતશે તો વધુ સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ટોપ પર રહેશે.
RCB ની સફર પુરી થઈ
સ્મૃતિ મંધાનાની ટીમ આરસીબી વિમેન્સ પ્રીમિયર લીગમાં પોતાના અભિયાનને જીત સાથે સમાપ્ત કરી શકી નથી. તેઓને તેમની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચાર વિકેટથી હાર મળી હતી. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ટીમે આરસીબીને 20 ઓવરમાં નવ વિકેટે 125 રન બનાવવા દીધા હતા. મુંબઈને મધ્ય ઓવરોમાં આંચકો લાગ્યો હતો, પરંતુ મેચને 16.3 ઓવરમાં છ વિકેટે 129 રન પર લઈ જવા માટે તેણે પોતાનો દબદબો રાખ્યો હતો.
દિલ્હી કે યુપી કોણ ફાઈનલમાં ?
આ મેચમાં જીત મેળવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોપ પર પહોંચી ગઈ છે, પરંતુ તે સીધી ફાઇનલમાં પહોંચશે કે નહીં તે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચથી નક્કી થશે. મુંબઈને બે પોઈન્ટ મળ્યા અને તેના ખાતામાં હવે કુલ 12 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ છે. તેને યુપી વોરિયર્સ સામે રમવાનું છે. જો દિલ્હી આગામી મેચ જીતશે તો વધુ સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ટોપ પર રહેશે.
મુંબઈની બેટિંગ કેવી રહી ?
ઓપનર હીલી મેથ્યુસ અને યાસ્તિકા ભાટિયાએ મુંબઈ ઈન્ડિયન્સને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. યસ્તિકા 30 અને મેથ્યુઝ 24 રને આઉટ થયા હતા. આ બંનેના આઉટ થયા બાદ ટીમને સતત ઝટકો લાગ્યો હતો. નતાલી સીવર બ્રન્ટ 13 અને કેપ્ટન હરમનપ્રીત કૌર બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. અહીંથી એવું લાગતું હતું કે મેચ બદલાઈ શકે છે, પરંતુ અમેલિયા કેર અને પૂજા વસ્ત્રાકરે એવું થવા દીધું નહીં. પૂજા 18 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમને જીતની ઉંચાઈ પર પહોંચાડી દીધી હતી. ઇઝી વોંગ ખાતું ખોલાવી શકી ન હતી. અમેલિયા કેરે 27 બોલમાં અણનમ 31 રન ફટકારીને મુંબઈને મેચ જીતાડી હતી. RCB તરફથી મેગન શુટ, શ્રેયંકા પાટીલ, એલિસ પેરી અને આશા શોભનાએ એક-એક વિકેટ લીધી હતી.