IPL-2023સ્પોર્ટસ

WPL-2023 ફાઇનલ : આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે મેચ, આટલી પ્રાઇઝ મની મેળવશે જીતનાર ટીમને

આજે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) એકબીજાની સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સને 72 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ટાઈટલ મેચમાં એન્ટ્રી મેળવી હતી. બંને ટીમોના પ્રદર્શનને જોતા ટાઈટલ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. ભારતીય સમય અનુસાર આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ અને મુંબઈની કેપ્ટન હરમનપ્રીત બંને આ ઐતિહાસિક ફાઈનલમાં પોતાની ટીમનું નામ રોશન કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો લીગની પ્રથમ ચેમ્પિયન બનવા માટે ઉત્સુક છે. જોકે, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમાં ટાઈટલ સિવાય અન્ય બાબતો પણ દાવ પર છે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે ટક્કર થશે.

કેટલી પ્રાઇઝ મની જીતશે

વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ પોતાની ટીમ માટે ખિતાબ જીતવા ઉપરાંત ખેલાડીઓની નજર પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પર છે. રસપ્રદ વાત એ છે કે, આ રેસમાં દિલ્હી અને મુંબઈના ખેલાડીઓ પણ આમને-સામને છે. આ રેસના વિજેતાનો નિર્ણય ફાઈનલ બાદ થશે. વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનની વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 6 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે WPL 2023 રનર-અપ પ્રાઈઝ માટે ટીમ દિલ્હી કેપિટલ્સ અથવા મુંબઈ ઈન્ડિયન્સમાં જે હારશે તે રનર અપ તરીકે ટૂર્નામેન્ટનો અંત લાવશે. તે ટીમને ઈનામી રકમ તરીકે 3 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ત્રીજા સ્થાન માટે WPL 2023 પ્રાઇઝ મની

યુપી વોરિયર્સે ત્રીજા સ્થાને રહીને ટૂર્નામેન્ટ સમાપ્ત કરી. પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી યુપીએ 8માંથી 4 મેચ જીતી હતી અને એટલી જ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્લેઓફમાં જગ્યા બનાવનાર યુપી વોરિયર્સને એલિમિનેટર મેચમાં મુંબઈના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યુપી ત્રીજા નંબરની ટીમ હતી, તેને 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી.

ઓરેન્જ કેપ માટે દિલ્હી-મુંબઈ આમને-સામે

આખી લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. હાલમાં આ કેપ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન મેગ લેનિંગના માથા પર શોભી રહી છે. લેનિંગે આઠ મેચમાં 51.56ની એવરેજથી 310 રન બનાવ્યા છે. આ પછી બીજા સ્થાન પર યુપી વોરિયર્સની તાહલિયા મેકગ્રા છે, જેમના 302 રન છે પરંતુ હવે તે રેસમાંથી બહાર થઈ ગઈ છે. ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો નેટ સિવર બ્રન્ટ આવે છે જેણે નવ મેચમાં 272 રન બનાવ્યા છે. તેની એવરેજ લેનિંગ કરતા પણ સારી છે. તે લેનિંગથી માત્ર 38 રન પાછળ છે. આ કેપ કોના માથે જશે તે ફાઈનલ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : WPL 2023: આ છે 10 સૌથી મોંઘી ખેલાડીઓ, જાણો કોણ કઈ ટીમ માટે રમશે

Back to top button