- યુવાનો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે
- અમદાવાદ મેડિકલ એસોસિયેશન રાજ્ય સરકાર સમક્ષ આગામી દિવસમાં રજૂઆત કરશે
- હૃદય રોગના વધતાં કેસ વચ્ચે આ સમસ્યાના ઉપાય માટે સાચી સમજણ એ જ ઉપાય
ગુજરાતમાં હૃદય રોગ અને તેના કારણે મૃત્યુથી ચિંતા વધી છે. જેમાં એક જ વર્ષમાં હૃદયરોગની તકલીફમાં 28 ટકાનો ગંભીર ઉછાળો થયો છે. તથા કાર્ડિયાક એરેસ્ટના 25 ટકાથી વધારે કિસ્સા 45 વર્ષના યુવાનોમાં જોવા મળ્યા છે. હૃદય રોગની સમસ્યાનો મુદ્દો ગંભીરતાથી લેવા AMA સરકારને રજૂઆત કરશે. તથા યુવાનો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: PM મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
યુવાનો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે
રાજ્યમાં હૃદય રોગ અને તેના કારણે મોતના વધતાં કિસ્સાએ ચિંતા ઊભી કરી છે, કારણ કે યુવાનો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં હૃદય રોગની તકલીફમાં ગત વર્ષની સરખામણીએ 28 ટકાનો જ્યારે અમદાવાદમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. હૃદયઘાત અને કાર્ડિયાક એરેસ્ટનો ભોગ 25 ટકાથી વધારે 45 વર્ષના યુવાનોમાં જોવા મળ્યો છે, તેમ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું.
અમદાવાદ મેડિકલ એસોસિયેશન રાજ્ય સરકાર સમક્ષ આગામી દિવસમાં રજૂઆત કરશે
કોરોના પછી હૃદય રોગના કેસ ઓચિંતા વધતાં આ સમગ્ર મામલો ગંભીરતાથી લેવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન રાજ્ય સરકાર સમક્ષ આગામી દિવસમાં રજૂઆત કરશે, જેમાં જે તે દર્દીનું મોત થયું હોય તો તેવા કિસ્સામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, તેનાં તારણો વગેરે મુદ્દાઓની ઝીણવટભરી છણાવટ કરવા અને ચિંતાનું મોજું હળવું થાય તે માટે પગલાં ભરવા તાકીદ કરવામાં આવશે, તેમ અમદાવાદ મેડિકલ એસો.ના તબીબે જણાવ્યું છે. બીજી તરફ પહેલાંની સરખામણીએ અત્યારે કેસ વધ્યા એ પણ એક હકીકત છે.
હૃદય રોગના વધતાં કેસ વચ્ચે આ સમસ્યાના ઉપાય માટે સાચી સમજણ એ જ ઉપાય
હૃદય રોગના વધતાં કેસ વચ્ચે આ સમસ્યાના ઉપાય માટે સાચી સમજણ એ જ ઉપાય છે, આ બાબતને ધ્યાનમાં રાખી રેડક્રોસ સોસાયટી અને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે ‘યુવાનોમાં હૃદયની સંભાળ માટેનો હૃદયથી સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે, તેમ કહેતાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, આગામી નવમી નવેમ્બરે સાંજે 5થી 7 કલાકે ગુજરાતના વિખ્યાત તબીબો યુવાનો સાથે સીધો સંવાદ કરશે, જે તે વ્યક્તિ સમસ્યા-પ્રશ્નો ઈ-મેઈલ એડ્રેસ પર અગાઉથી જ મોકલી શકશે, આ સંદર્ભે ક્યુઆર કોડ પણ જાહેર કરાયો છે.