ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

ઓસ્ટ્રેલિયામાં 600 કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચુ રામ મંદિર

  • પર્થ શહેરમાં 150 એકર જમીન પર 600 કરોડ રૂપિયાના ખર્ચે શ્રીરામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ટ્રસ્ટનો હેતુ આ મંદિરને કલ્ચરલ એપીસેન્ટર બનાવવાનો છે . આ પવિત્ર સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિર અત્યારે તો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામ લલ્લા તેમના મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પણ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. લગભગ 721 ફૂટની ઊંચાઈ ધરાવતું આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર હશે.

ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં શ્રીરામ વૈદિક એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ટ્રસ્ટના ડેપ્યુટી હેડ ડો. હરેન્દ્ર રાણાએ જણાવ્યું કે પર્થ શહેરમાં 150 એકર જમીન પર 600 કરોડ રૂપિયાના ખર્ચે શ્રીરામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ટ્રસ્ટનો હેતુ આ મંદિરને કલ્ચરલ એપીસેન્ટર બનાવવાનો છે . આ પવિત્ર સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવશે. રામાયણ સાથે સંકળાયેલી સંસ્કૃતિને ઉજવવાના તેમજ સંસ્કૃતિનો વારસો જાળવવાના હેતુસર આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટે એમ પણ કહ્યું કે આ વિશાળ રામ મંદિરના નિર્માણથી પર્થ પર મહત્ત્વપુર્ણ આર્થિક અને સાંસ્કૃતિક પ્રભાવ પડવાની પણ આશા છે.

ઓસ્ટ્રેલિયાના રામ મંદિરમાં શું હશે ખાસ?

મંદિર પરિસરમાં હનુમાન વાટિકા, સીતા વાટિકા, જટાયુ બાગ, શબરી વન, જામવંત સદન, નલ નીલ ટેકનિકલ અને ગુરુ વશિષ્ઠ નોલેજ સેન્ટર હશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ચિત્રકૂટ વાટિકા, પંચવટી વાટિકા ગાર્ડન અને રામ નિવાસ હોટલ પણ બનાવવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં સીતા રસોઈ રેસ્ટોરન્ટ, રામાયણ સદન લાઇબ્રેરી અને તુલસીદાસ હોલ જેવા સાંસ્કૃતિક સ્થળો પણ બનાવવામાં આવશે.

વૈદિક યુનિવર્સીટી પણ બનાવાશે

મંદિર પરિસરમાં 55 એકર જમીન પર સનાતન વૈદિક યુનિવર્સિટી બનાવવામાં આવશે. આ સાથે હનુમાન વાટિકામાં હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં શિવ સપ્ત સાગર નામનું તળાવ બનાવવામાં આવશે, જેમાં ભગવાન શિવજીની 51 ફૂટની પ્રતિમા હશે. મંદિરમાં આધ્યાત્મિક સ્થાનો હશે જેમાં યોગ કોર્ટ, મેડિટેશન કોર્ટ, વેદ લર્નિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમ હશે.

આ પણ વાંચોઃ સુનીલ શેટ્ટી પુત્ર અહાન સાથે પહોંચ્યો મહાકાલના દરબારમાં, જાણો શું કહ્યું?

Back to top button