ગુજરાત

લોથલમાં બનશે દુનિયાનું સૌથી ઊંચું 77 મીટરનું લાઈટહાઉસ, અમદાવાદથી પણ દેખાશે

લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ 400 એકરમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. આજે આ લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સ્થળની મુલાકાત લીધી હતી.

લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેને હડપ્પન સંસ્કૃતિના ગુજરાત ખાતે લોથલમાં આર્કિયોલોજિસ્ટ્સને પ્રાપ્ત થયેલા 5000 વર્ષ અગાઉના પણ વિકસિત એવા ડોકયાર્ડના સ્થાને વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ અંગેની કામગીરીની સમીક્ષા બાદ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જ્યારે તૈયાર થશે ત્યારે એ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મેરિટાઈમ ઈતિહાસ સહિતના સંશોધનો માટેનું એક ઉત્તમ સ્થાન બની રહેશે.

વધુમાં માંડવિયાએ જણાવ્યું હતું કે જ્યારે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થઈ જશે ત્યારે ત્યાં લોકોને 5000 વર્ષ અગાઉ ભારત કઈ રીતે સમુદ્ર માર્ગે વ્યાપાર કરતું, આપણી એ સમયની જીવનશૈલી અને સભ્યતા કેવી હતી એનો તાદ્રશ અનુભવ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 5000 વર્ષ અગાઉ આપણે મેરિટાઈમ ક્ષેત્રે કેટલા વિકસિત હતા અથવા તો આપણી પાસે તેનું કેટલું જ્ઞાન હતું તેની જાણકારી આ કોમ્પ્લેક્સની મુલાકાત પર પ્રાપ્ત થશે.

અદ્દલ લોથલ સંસ્કૃતિને અહીં જીવંત કરાશે જેથી મુલાકાતી અહીં આવશે તો તેઓને 5000 વર્ષ જૂની સભ્યતા, કાર્યશૈલીનો અને જીવનશૈલીનો અનુભવ થશે. મુલાકાતીઓ અહીં 5000 વર્ષ અગાઉ જે રીતે દુકાનો લગાવાતી એવી દુકાનોમાંથી ખરીદી કરી શકશે અને ખરીદી માટે એ જ સમયમાં જે રીતે સિક્કાઓનો ઉપયોગ થતો એ કરવાનો રહેશે.

માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં 12 સમુદ્ર કાંઠે રહેલા રાજ્યો કે જ્યાંથી સમુદ્ર માર્ગે વ્યાપાર થતો હતો. આ 12 રાજ્યો પણ આ હેરિટેજ કોમ્પ્લેક્સમાં પોતાની એક-એક ગેલેરી રાખશે, જ્યાં એ સમયનો મેરિટાઈમ ઈતિહાસ જોઈ શકાશે. આ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં ઓછામાં ઓછા 3 દિવસનું રોકાણ કરીને સમગ્ર મેરિટાઈમ હિસ્ટ્રીનો અનુભવ કરી શકાશે. આ ઉપરાંત નેવી, એરફોર્સની ગેલેરી પણ બનશે.

આ ઉપરાંત દુનિયાનું સૌથી ઊંચું 77 મીટરનું લાઈટહાઉસ બનશે, જેને અમદાવાદના લોકો પણ લોથલનું આ લાઈટહાઉસ જોઈ શકશે. આ લાઈટહાઉસમાં જ તેનો ઈતિહાસ પણ દર્શાવવામાં આવશે.માંડવિયાએ આ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે માહિતી આપતા કહ્યું હતું કે લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જાન્યુઆરી-2024માં રાષ્ટ્રને અર્પણ કરવાની યોજના છે. મિશન મોડમાં આ માટેની કામગીરી ચાલી રહી છે. 1200-1300 લોકો અહીં કાર્યરત છે. આ પ્રોજેક્ટથી આ ક્ષેત્રના લોકો માટે તથા આ સ્થળની આસપાસના લોકો માટે પણ રોજગારીની અનેક તકો ઊભી થઈ રહી છે.

Back to top button