ઓલ્ડ ઈઝ ગોલ્ડ! 1100 કરોડમાં વેચાઈ 67 વર્ષ જૂની મર્સિડીઝ બેન્ઝ
કહેવાય છે ને કે, ઓલ્ડ ઈઝ ગોલ્ડ. આ કહેવાત સાચી સાબિત કરી બતાવી છે દુનિયાની સૌથી જાણીતી મર્સિડીઝ બેન્ઝ કંપનીએ.જી હાં, મર્સિડીઝ બેન્ઝ કંપનીની 67 વર્ષ જૂની કાર 10, 20 કે 100 કરોડ નહીં પણ 1100 કરોડમાં વેચાઈ છે. સાંભળીને નવાઈ લાગશે પણ આ હરાજી સાથે વિશ્વની અત્યારસુધીની સૌથી મોંઘી કાર વેચાઈ છે. આ સાથે ‘1955 મર્સિડીઝ બેન્ઝ 300 SLR’ કાર બની ગઈ છે દુનિયાની સૌથી મોંઘાદાટ કાર.
વિશ્વની સૌથી મોંઘીદાટ કાર
એક પ્રાઈવેટ ઓક્શનમાં આ કાર 135 મિલિયન યુરોસ એટલે કે અંદાજે 1100 કરોડ રૂપિયામાં વેચાઈ છે. કેનેડા બેઝડ ઓક્શન કંપની દ્વારા આ ઓક્શન વિશે માહિતી આપવામાં આવી છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે, એક કલેક્ટરે ‘1955 મર્સિડીઝ બેન્ઝ 300 SLR’કાર 1100 કરોડમાં ખરીદી છે. જો કે, આ કાર કોણે ખરીદી છે તે વ્યક્તિનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ કારે વિશ્વની સૌથી મોંઘાદાટ કારનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. દુનિયામાં આટલી મોંઘી માત્ર બે કાર છે. બંને કાર અત્યારે જર્મનીમાં મર્સિડિઝના મ્યુઝિયમમાં છે. આ કાર પાછળ 1100 કરોડ રૂપિયા ખર્ચ્યા છતાં પણ કાર ખરીદનાર વ્યક્તિ રોજ આ કારને ચલાવી શકશે નહીં. વર્ષ 2018માં ‘1962 ફેરારી 250 GT’કાર 48 મિલિયન ડોલર એટલે કે અંદાજે 375 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. મર્સિડીઝની આ વિન્ટેજ કાર અગાઉના રેકોર્ડ કરતા ત્રણ ગણી વધુ મોંઘી છે. આ કારને 1955માં મર્સિડીઝના રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવી હતી.આવી માત્ર બે કાર જ બનાવવામાં આવી હતી. કારનું નામ તેમના ચીફ એન્જિનિયર અને ડિઝાઈનરના નામ પર રાખવામાં આવ્યું હતું.
પોતાનો પાવર બતાવવા માંગતી હતી કંપની
જર્મનીમાં 5 મેના રોજ ‘1955 મર્સિડીઝ બેન્ઝ 300 SLR’કારનું પ્રાઈવેટ ઓક્શન રાખવામાં આવ્યું હતું. મર્સિડિઝ બેન્ઝના ચેરમેને જણાવ્યું કે, ”અમે ઈચ્છતા હતા કે, અમે દેખાડીએ કે, મર્સિડીઝ બ્રાન્ડનો પાવર કેટલો છે. અને તેણે દેખાડી દીધું છે. મર્સિડીઝ બેન્ઝની આ ક્લાસિક કાર કોણે ખરીદી છે, તેનું અમીર વ્યક્તિનું નામ છૂપાવીને રાખવામાં આવ્યું છે”