ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

દુનિયાનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર બનીને તૈયાર, શું છે મંદિરની વિશેષતાઓ?

  • રાજસ્થાનના પાલી જિલ્લામાં ભગવાન મહાદેવને સમર્પિત મંદિરની કામગીરી થઈ પૂર્ણ
  • મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા તા. 19 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે

પાલી, રાજસ્થાન. 9 ફેબ્રુઆરી: રાજસ્થાનના પાલી જિલ્લામાં ભગવાન શિવને સમર્પિત વિશ્વનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર તાજેતરમાં જ બનીને તૈયાર થઈ ગયું છે. મંદિરનું ભૂમિપૂજન વર્ષ 1995માં કરવામાં આવ્યું હતું. પરંતુ તેના નિર્માણ કાર્યમાં 28 વર્ષ લાગ્યા હતા. આ મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા તારીખ 19 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખૂબ જ ભવ્ય અને સંપૂર્ણ રીતે ભગવાન મહાદેવને સમર્પિત છે.

હિન્દુ ધર્મમાં ૐના નાદને ખૂબ જ પ્રભાવક માનવામાં આવે છે. તે પર્યાવરણને સકારાત્મક બનાવવામાં પણ મદદરૂપ છે. આ સાથે શાસ્ત્રોમાં ૐના ધ્વનિમાં અકાર, ઉકાર અને મકારનો સમાવેશ થાય છે. આ ધ્વનિ કુદરતી ગુણોને પણ પ્રતિબિંબિત કરે છે જે સત, રજ અને તમ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે ભગવાન મહાદેવને સમર્પિત ૐ આકારનું શિવ મંદિરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો અને મંદિરની ખાસ વિશેષતાઓ વિશે.

કયા દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે

મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ હવે તેમાં રાખવામાં આવેલી મૂર્તિઓને પવિત્ર કરવામાં આવશે. મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમની ધાર્મિક વિધિ 19 ફેબ્રુઆરીના રોજ થશે. મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા માટે 10મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધી શિવપુરાણની કથાનું પણ પાઠ કરવામાં આવશે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશભરમાંથી ઋષિ-મુનિઓ સહિત ભક્તો આવશે.

મંદિરની મુખ્ય વિશેષતાઓ શું છે ?

  • ૐ આકારના આ મંદિરના પ્રણેતા શ્રી અલખપુરી સિદ્ધપીઠ પરંપરાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર મહેશ્વરાનંદ મહારાજે 40 વર્ષ પહેલા આ મંદિર બનાવવાનું સ્વપ્ન જોયું હતું.
  • આ યોગ મંદિરનું પરિસર લગભગ 250 એકરમાં છે. મંદિરમાં 12 જ્યોતિર્લિંગ, ભગવાન શિવની 1008 મૂર્તિઓ અને 108 ખંડ છે.
  • મંદિર નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું છે અને ઉત્તર ભારતીય વાસ્તુ કલાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિવ મંદિર હોવાની સાથે અહીં સાત ઋષિઓની સમાધિ પણ છે.
  • ૐ આકારના આ મંદિરનું શિખર 135 ફૂટ ઊંચું છે. મંદિરની ટોચ પર એક શિવલિંગ છે અને તેના પર બ્રહ્માંડની આકૃતિ કોતરવામાં આવી છે.
  • મંદિરના નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારના લાલ પથ્થરો છે અને તેમનું આયુષ્ય ઘણા વર્ષો સુધીનું હોય છે.
  • આ સાથે આ યોગ મંદિરમાં નંદી મહારાજની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, અહીં સૂર્ય ભગવાનનું મંદિર પણ છે જે અષ્ટખંડમાં બનેલું છે.
  • આ શિવ મંદિર ચાર ભાગોમાં વહેંચાયેલું છે, તેનો એક ભાગ જમીનની અંદર (ભૂગર્ભ) છે અને બાકીના ત્રણ ભાગ જમીનની ઉપર બાંધવામાં આવ્યા છે. મંદિરની મધ્યમાં સ્વામી માધવાનંદની સમાધિ છે.

આ પણ જુઓ: નમામિ ગંગે : મૌની અમાવસ્યા નિમિત્તે વારાણસીમાં ગંગાના ઘાટો પર ભક્તોની ભારે ભીડ

Back to top button