કેનેડામાં વિશ્વની સૌથી મોટી સોનાની ચોરી! કિંમત સાંભળીને ચોંકી જશો
કેનેડાના ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 17 એપ્રિલે મોડી સાંજે પ્લેનમાંથી સોનું અને અન્ય ઉચ્ચ કિંમતની વસ્તુઓની ચોરી થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ ચોરી સોમવારે થઈ હતી. ‘ઉચ્ચ-મૂલ્યનું કન્ટેનર’ પ્લેનમાંથી અનલોડ કર્યા પછી હોલ્ડિંગ કાર્ગો ફેસિલિટીમાંથી ચોરાઈ ગયું હતું. આ કન્ટેનરમાં લગભગ 121 કરોડના મૂલ્યનું સોનું હતું. જેનો અત્યારે કોઈ જ પત્તો નથી.
પોલીસે કહ્યું, તેમને ખબર નથી સોનું ક્યાં છે ?
નવાઈની વાત તો એ છે કે પોલીસે કહ્યું કે તેઓ જાણતા નથી કે સોનું ક્યાં છે અથવા તે હજી પણ દેશમાં છે કે નહીં. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
શું કહ્યું ગ્રેટર ટોરોન્ટો એરપોર્ટ ઓથોરિટીએ ?
ગ્રેટર ટોરોન્ટો એરપોર્ટ ઓથોરિટીએ કહ્યુ છે, કે ચોરોએ વેરહાઉસના જાહેર ભાગમાં પ્રવેશ કર્યો હતો જે એરપોર્ટની પ્રાથમિક સુરક્ષા લાઇનની બહાર તૃતીય પક્ષને ભાડે આપવામાં આવે છે. પ્રાદેશિક પોલીસ નિરીક્ષક સ્ટીફન ડ્યુવેસ્ટીને જણાવ્યું છે કે તેમની ટીમ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તેમણે સોમવારની ઘટનાને દુર્લભ ગણાવી છે અને તેને અલગ રીતે જોવાની જરૂર હોવાનું પણ કહ્યું છે.
તેમણે એ પણ જણાવ્યું કે કન્ટેનરનું કદ લગભગ પાંચ ચોરસ ફૂટ હતું. પરંતુ તેણે તેનું વજન કેટલું છે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો. આ કાર્ગો કઈ એરલાઈનમાંથી આવ્યું, આ સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું હતું તે જણાવવાનો પણ અધિકારીઓએ ઈન્કાર કર્યો છે. પોલીસનું માનવું છે કે આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગનું કામ હોઇ શકે છે. પરંતુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
આ પણ વાંચો:પુલવામા હુમલાથી લઈને નરોડા પાટિયા કેસના ચુકાદા સુધી, શું કહ્યું શરદ પવારે ?