ડીસા : જલઝીલણી અગિયારસએ ભગવાન શ્રીકૃષ્ણ નીકળ્યા નગરયાત્રાએ


પાલનપુર : ડીસા શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે ભાદરવા સુદ -4 થી ભાદરવા સુદ- 11 સુધી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરી લોકો દરેક મહોલ્લે તેમજ શેરીઓમાં ડીજેના તાલે ગરબે ઘૂમી ધામધૂમ ઉજવામાં આવે છે. ડીસાના રામજી મંદિર ખાતે શ્રી મહંત રામદાસ પ્રહલાદદાસજીના મંદિરે 73માં વર્ષે અખંડ રામધૂન ઉત્સવ સંવત 2078 ના ભાદરવા સુદ- 10 ને સોમવારના રોજ સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને ભાદરવા સુદ 11 ને મંગળવારના રોજ સવારે 9:00 વાગે આરતી તથા રામધૂનની બપોરે 1:30 કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણ નગરયાત્રાએ
ત્યારબાદ બપોરે 2:30 વાગે ભગવાન કૃષ્ણની ભવ્ય પાલકીની શોભાયાત્રા ડીસા શહેરની નગર યાત્રાએ નીકળ્યા હતા. જે રામજી મંદિરેથી નીકળી રિસાલા ચોક, સુભાષ ચોક, પોલીસ સ્ટેશનથી લેખરાજ ચાર રસ્તા ,રામજી મંદિર, જૂની જેલ, સદર બજાર, મારવાડી મોચી વાસ, અંબાજી મંદિર પાસેથી બનાસ નદી જઈને પરત લેખરાજ ચાર રસ્તા શ્રીરામ ચોક થઈને નિજ મંદિરે પહોંચી હતી. જ્યાં આરતી તેમજ પ્રસાદનો ધાર્મિક ભક્તોએ લાભ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.ડીસા તેમજ આસપાસની ગામડાની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી ભગવાનની પાલખીના તેમજ ગણેશ ભગવાનની અવનવી મૂર્તિઓનો દર્શનનો લાભ લીધો.