War: ઈરાનની મુશ્કેલી વધશે! હવે યુદ્ધમાં આ દેશની એન્ટ્રીની તૈયારી
Israel Iran War: એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા પશ્ચિમ એશિયાઈ સંઘર્ષની પરિસ્થિતિ વિસ્ફોટક અને બેકાબૂ બની ગઈ છે. ઈઝરાયલ અને અમેરિકાનો ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે 33માં દિવસમાં પ્રવેશી ગયું છે, અને પરિસ્થિતિ વધુને વધુ ખતરનાક બની ગઈ છે. મિસાઈલો અને સતત વિસ્ફોટોથી વિનાશનું દ્રશ્ય સર્જ્યું છે. આ યુદ્ધ હવે સરહદો ઓળંગી ગયું છે અને વૈશ્વિક ખતરો બની ગયું છે, જેમાં વિનાશ અને અનિશ્ચિતતાનો પડછાયો દરેક ક્ષણે ઘેરો બની રહ્યો છે.
યુએસ-ઈરાન સંઘર્ષમાં UAEની સામેલ થવાની તૈયારી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, એક મોટી અપડેટ સામે આવી છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલો મુજબ સંયુક્ત આરબ અમીરાત (UAE) યુએસ-ઈરાન સંઘર્ષમાં સામેલ તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુએઈ અમેરિકા અને તેના સહયોગી સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ફરીથી ખોલવા માટે જોડાઈ શકે છે. એક અગ્રણી અખબારના અહેવાલ મુજબ, આરબ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યુએઈ યુએસ-ઈરાન યુદ્ધમાં જોડાવામાં રસ ધરાવે છે. આ ન્યૂઝ ત્યારે આવી રહ્યા છે, જ્યારે ઈરાન તેના પ્રદેશ પર યુએસ અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં યુએઈ અને અન્ય ગલ્ફ દેશો પર હુમલો કરી રહ્યું છે.
યુએઈ પહેલો ગલ્ફ દેશ બની શકે
જો યુએઈ આ યુદ્ધમાં જોડાય છે, તો તે સીધો યુદ્ધમાં કૂદકો મારનાર પ્રથમ પર્સિયન ગલ્ફ દેશ બની જશે. આ એવા સમયે સમાચાર સામે આવ્યા છે, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધમાં પૂરતો ટેકો ન આપવા બદલ તેના સાથીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને કહ્યું છે કે, ‘તેલની સુરક્ષા ફક્ત અમેરિકાની જવાબદારી નથી.’ અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાત હવે ઈરાન સામે કાર્યવાહી કરવાની પરવાનગી મેળવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઠરાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. યુએઈના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
વૈશ્વિક ગઠબંધન બનાવવાની પહેલ
યુએઈના રાજદ્વારીઓએ યુનાઇટેડ સ્ટેટ્સ, તેમજ યુરોપ અને એશિયામાં લશ્કરી શક્તિઓને અપીલ કરી છે કે તેઓ એક થઈને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ગઠબંધન બનાવે. યુએઈ માને છે કે એશિયા અને યુરોપના જે દેશો હાલમાં ખચકાટ અનુભવી રહ્યા છે તેઓ યુએનની મંજૂરી મળ્યા પછી આ પ્રયાસમાં જોડાઈ શકે છે. જોકે, રશિયા અને ચીન આ પ્રસ્તાવને રોકી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ઠરાવ પસાર ન થાય તો પણ, યુએઈ સૈન્ય પ્રયાસોને ટેકો આપવા માટે તૈયાર છે. આમાં માઈન ક્લિયરન્સ અને અન્ય પ્રકારની સહાયનો સમાવેશ થઈ શકે છે.
યુએઈએ એમ પણ સૂચન કર્યું હતું કે, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટના ટાપુઓનું નિયંત્રણ કરવુ જોઈએ, જેમાં અબૂ મુસા ટાપુનો પણ સમાવેશ થાય છે, જેના પર ઈરાન લગભગ પાંચ દાયકાથી કબજો જમાવીને બેઠું છે, પરંતુ જેનો યુએઈ પણ દાવો કરે છે. યુએઈના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવી જરૂરી છે તે અંગે વૈશ્વિક સર્વસંમતિ વધી રહી છે.’ મંત્રાલયે ઈરાનના હુમલાઓની નિંદા કરતા સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ તેમજ સ્ટ્રેટને બંધ કરવાની ટીકા કરતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના ઠરાવનો પણ ઉલ્લેખ કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
યમનથી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો
એક તરફ યુએઈની યુદ્ધમાં એન્ટ્રી થઈ શકે છે તો બીજી તરફ ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યમનથી ઇઝરાયલ પર એક મિસાઇલ છોડવામાં આવી હતી, જેને ઇઝરાયલી સૈન્ય દ્વારા તબાહ કરી દેવામાં આવી હતી. આ હુમલાને કારણે દક્ષિણ ઇઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા. હવે સંઘર્ષ વચ્ચે આરબ અમીરાત (UAE)ની ત્રણ સંયુક્ત એરલાઇન્સે ઇરાની નાગરિકોને દેશમાં પ્રવેશવા અને પરિવહન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. લાંબા અંતરની એરલાઇન્સ એમિરેટ્સ અને એતિહાદેની સાથે ઓછી કિંમતની કેરિયર ફ્લાયદુબઈએ, તેમની વેબસાઇટ પર આ જાણકારી શેર કરી છે.
આ પણ વાંચો : એક ઈમેલ અને ભારતમાં 12,000 લોકોની નોકરી ગઈ, જાયન્ટ કંપનીમાં મોટી છટણી












