વિશ્વ આદિવાસી દિવસ: ડીસામાં એક તીર એક કમાન આદિવાસી એકસમાનના નારા સાથે રેલી નીકળી
- સમાજમાં શિક્ષણ વધારવા માટે અપીલ.
- જાહેર સભામાં લોકોને તેમના હક અને ફરજો અંગે વાકેફ કર્યા.
બનાસકાંઠા: ડીસામાં પણ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલી યોજી એક તીર એક કમાન આદિવાસી એક સમાનના નારા લગાવી તેમના હક અને ફરજોથી લોકોને વાકેફ કર્યા હતા.
ડીસામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ:
9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક એજ વર્ષની 9 ઓગસ્ટે મળી હતી. દસ વર્ષ પછી ઈ.સ. 1992માં બ્રાઝિલ ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં 68 જેટલા દેશના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઇ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને યુએનઓના 11માં અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કરાયું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગસ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. જે અંતર્ગત આજે ડીસામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
જાહેર સભા યોજાઈ:
ડીસામાં એસસીડબ્લ્યુ હાઇસ્કુલ ખાતે આદિવાસી સમાજના લોકોની જાહેર સભા યોજાઈ હતી. જેમાં આગેવાનોએ આદિવાસી સમાજને પણ અન્ય સમાજની હરોળમાં લાવવા માટે સમાજમાં શિક્ષણ વધારવા માટે અપીલ કરી હતી. ત્યાર બાદ ત્યાંથી રેલી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. એક તીર એક કમાન આદિવાસી એક સમાજના નારા સાથે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજે લોકોને તેમના હક અને ફરજ અંગે વાકેફ કર્યા હતા.
આ પણ વાંચો: સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!