કેમ ઉજવાય છે વર્લ્ડ ઓઝોન ડે?, જાણો આ દિવસ સાથે જોડાયેલ ઈતિહાસ અને મહત્વ
વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત કરવાનો છે. આ સાથે આ દિવસે લોકોને ઓઝોન સ્તર વિશે પણ જાગૃત કરવામાં આવે છે. છેલ્લા બે દાયકાથી ઓઝોન સ્તરને બચાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા દરેક સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, 16 સપ્ટેમ્બર 2021 ના રોજ, ઓઝોન સ્તરને બચાવવા માટે જાગૃતિ અભિયાન સાથે, વૈજ્ઞાનિકો નવા રસ્તાઓ પણ શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા સમયથી ઓઝોન સ્તરની પરતમાં થઈ રહેલ નુકસાનને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
શું છે ઓઝોન સ્તર
ઓઝોન સ્તર એ રક્ષણાત્મક કવચ છે, જે પૃથ્વીને સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. જો આ સ્તર ન હોય તો પૃથ્વી પર રહેતા લોકોને ત્વચા સંબંધિત અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડશે. તેથી જ વૈજ્ઞાનિકો આ સ્તરને નુકસાનને લઈને ચિંતિત છે. એવું કહી શકાય કે આ સ્તર વિના પૃથ્વી પર જીવન શક્ય જ નથી.
ઓઝોન દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?
વૈજ્ઞાનિકોએ 1970ના દાયકાના અંત ભાગમાં ઓઝોન સ્તરમાં છિદ્ર હોવાનો દાવો કર્યો હતો. આ પછી, 80 ના દાયકામાં, વિશ્વભરની ઘણી સરકારોએ આ સમસ્યા વિશે વિચારવાનું શરૂ કર્યું. 1985 માં, ઓઝોન સ્તરના સંરક્ષણ માટે Vienna Convention દ્નારા જાગૃતતા કેડવવા જણાવામાં આવ્યુ હતું. આ પછી, 19 ડિસેમ્બર 1994 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 16 ડિસેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રથમ વિશ્વ ઓઝોન દિવસ 1995માં ઉજવવામાં આવ્યો હતો.સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસની ઉજવણી વર્ષ-1995માં કરવામાં આવી હતી.પૃથ્વીનાં આ કુદરતી સુરક્ષા કવચરૂપ ઓઝોન સુરક્ષા માટે વિશ્વનાં રાષ્ટ્રોએ 16 સપ્ટેમ્બર, 1984ના રોજ “મોન્ટીયલ કરાર”પર હસ્તાક્ષર કર્યાં હતાં.
ઓઝોનમાં ભંગાણ થવા પાછળનાં કારણો :
ઓઝોનનો ક્ષય થવા પાછળનું મુખ્ય કારણ માનવ પ્રવૃત્તિ, અને તેમાંયે ક્લોરિન અને બ્રોમાઇન ધરાવતાં માનવ-સર્જિત રસાયણો છે. આ રસાયણો ODS તરીકે, એટલે કે ઓઝોન ડિપ્લિટિંગ સબસ્ટન્સિઝ (ઓઝોનનો ક્ષય કરનારા પદાર્થો તરીકે) ઓળખાય છે. 1970ના દાયકાના પ્રારંભથી વિજ્ઞાનીઓ ઓઝોનના આવરણમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું નિરીક્ષણ કરતા હતા અને ખાસ કરીને ધ્રુવીય પ્રદેશોમાં આ પ્રમાણ નોંધપાત્ર હોવાનું માલૂમ પડ્યું હતું. ઓઝોનનો ક્ષય કરનારા મુખ્ય પદાર્થોમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs), કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હાઇડ્રો ક્લોરોફ્લોરોકાર્બન (HCFCs)અને મિથાઇલ ક્લોરોફોર્મનો સમાવેશ થાય છે. કેટલીક વખત બ્રોમિનેટેડ ફ્લોરોકાર્બન્સ તરીકે ઓળખાતો હેલોન્સ પણ ઓઝોનના ક્ષય માટે કારણભૂત છે.