વિશ્વભરમાં દર વર્ષે 31મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. જેનો હેતુ લોકોને તમાકુના જોખમો વિશે જાગૃત કરવાનો છે. જેથી તેઓ તેનાથી પોતાને બચાવે અને અન્ય લોકોને પણ તેનાથી બચાવે. આ માટે અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો અને ઝુંબેશ હેઠળ લોકોને જણાવવામાં આવે છે કે, તમાકુનો ઉપયોગ શરીર માટે કેવી રીતે હાનિકારક છે. આ દિવસે લોકોને તમાકુ કે તેની બનાવટોના સેવન પર પ્રતિબંધ મૂકવા અથવા તેનો ઉપયોગ ઓછો કરવા જાગૃત કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તમાકુથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે જાગૃત કરવાનો છે. તો WHO ના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે 10 મિલિયનથી વધુ લોકો તમાકુના ઉપયોગને કારણે મૃત્યુ પામે છે અને વિશ્વના 12% ધૂમ્રપાન કરનારાઓ ભારતમાં રહે છે. જ્યારે તમાકુના ઉત્પાદનો કેન્સર, ફેફસાના રોગ, હૃદય રોગ અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું કારણ બને છે. ચાલો જાણીએ કે, તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ખાસ કરીને ધૂમ્રપાન કેવા પ્રકારની ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે…
હાઈ બ્લડ પ્રેશર:
તમાકુના ઉત્પાદનો ખાસ કરીને ધૂમ્રપાન બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જે રક્ત વાહિનીઓની દિવાલોને નબળી બનાવે છે અને લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે.
પ્રજનન ક્ષમતાને અસર કરે છે:
ધૂમ્રપાનની આદત સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા માટે ખૂબ જ નુકસાનકારક હોવાનું જાણવા મળે છે. તમાકુ કે સિગારેટનું સેવન પ્રજનન ક્ષમતાને અસર કરે છે. આ સિવાય પુરૂષો દ્વારા ધૂમ્રપાન કરવાથી તેમના સ્પર્મમાં DNA ડેમેજ થવાનું જોખમ વધી જાય છે.
ફેફસાના રોગો:
જે વ્યક્તિઓ તમાકુનો નિયમિત અથવા વધુ પડતો ઉપયોગ કરે છે, તેમને ફેફસાં અથવા મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. ધૂમ્રપાનની સીધી અસર ફેફસાં પર થાય છે. ધૂમ્રપાનથી નીકળતો ધુમાડો તમારા ફેફસામાં એલ્વેલીને નુકસાન પહોંચાડે છે જે ફેફસાના રોગનું કારણ બને છે. તેનાથી ફેફસાંનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.
હૃદયના રોગો:
સિગારેટ અને અન્ય તમાકુના ઉત્પાદનોમાં રહેલા નિકોટિનને કારણે તમારી રક્તવાહિનીઓ સાંકડી થાય છે, જેનાથી તમારા હૃદયના ધબકારા ઝડપી બને છે. આનાથી લોહીના ગંઠાવાનું નિર્માણ થાય છે જે હાર્ટ એટેક અથવા બ્લોકેજનું કારણ બને છે.