ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ફાઈટર જેટ્સ ઉડાવતા બે પાઈલટની સેલ્ફીના લીધે અકસ્માત, પાંચ વર્ષ બાદ થયો ખુલાસો!

World News: દક્ષિણ કોરિયાની વાયુસેનાના ઈતિહાસમાં એક અત્યંત શરમજનક અને બેદરકારીભરી ઘટનાની વિગતો તપાસ અહેવાલ દ્વારા બહાર આવી છે. હવામાં હજારો ફૂટની ઊંચાઈએ ફાઈટર જેટ ઉડાવતા પાયલોટ્સ જ્યારે સુરક્ષાના પ્રોટોકોલ ભૂલીને ફોટા પાડવા અને વીડિયો ઉતારવામાં મશગૂલ થઈ જાય ત્યારે કેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. વર્ષ 2021માં સર્જાયેલી બે F-15K ફાઈટર જેટની ટક્કર પાછળ પાયલોટ્સનો સેલ્ફીનો ક્રેઝ જવાબદાર હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું છે.

ફ્લાઇટને યાદગાર બનાવવાની લાલચ પડી ભારે

દક્ષિણ કોરિયાના દેગુ શહેર પાસે વાયુસેનાના બે અત્યાધુનિક F-15K વિમાનો એક નિયમિત મિશન પર હતા. આ મિશન દરમિયાન વિંગમેન એરક્રાફ્ટના પાયલોટની તે યુનિટ સાથેની છેલ્લી ફ્લાઇટ હતી. પોતાની આ છેલ્લી ઉડાનને હંમેશા માટે યાદગાર બનાવવાના હેતુથી પાયલોટે મિશન દરમિયાન જ ફોટા પાડવાનું નક્કી કર્યું હતું. નવાઈની બાબત છે કે ઉડાન ભરતા પહેલાની બ્રીફિંગમાં પણ તેણે આ ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈએ તેને અટકાવ્યો નહીં. જ્યારે વિમાનો પોતાનું મિશન પૂરું કરીને બેઝ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ પાયલોટે તેના અંગત મોબાઈલ ફોનથી ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.

વીડિયો શૂટિંગ અને જોખમી સ્ટંટ

વિંગમેન પાયલોટને ફોટા પાડતો જોઈને, આગળ ચાલી રહેલા લીડ એરક્રાફ્ટના પાયલોટે પણ ઉત્સાહમાં આવીને તેના સાથી પાયલોટને વિંગમેન પ્લેનનો વીડિયો શૂટ કરવા સૂચના આપી. વીડિયોમાં વિમાન વધુ આકર્ષક દેખાય તે માટે વિંગમેન પાયલોટે અચાનક જ સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકીને વિમાનને ઊંચું ઉડાવ્યું અને હવામાં ફ્લિપ કર્યું. આ જોખમી દાવપેચને કારણે બંને વિમાન વચ્ચેનું અંતર જોખમી રીતે ઘટી ગયું. ટક્કર ટાળવા માટે લીડ એરક્રાફ્ટે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં અને બંને વિમાન હવામાં જ એકબીજા સાથે ટકરાયા. આ ટક્કરમાં લીડ એરક્રાફ્ટની પાંખ અને વિમાનની ટેઈલને ગંભીર નુકસાન થયું હતું.

કરોડોનું નુકસાન અને આકરો દંડ

આ અકસ્માતને કારણે દક્ષિણ કોરિયાની સેનાને અંદાજે 880 મિલિયન વોન (આશરે ₹5.3 કરોડ) નું નુકસાન થયું હતું. જોકે બંને પાયલોટે સમયસૂચકતા વાપરીને વિમાનને સુરક્ષિત રીતે બેઝ પર લેન્ડ કરી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. તપાસના અંતે બોર્ડ ઓફ ઓડિટ એન્ડ ઇન્સ્પેક્શન દ્વારા વિંગમેન પાયલોટને મુખ્ય જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. વાયુસેનાએ તેની પાસેથી પૂરેપૂરો ખર્ચ વસૂલવાની માંગ કરી હતી, પરંતુ અંતે તેની કારકિર્દી અને અકસ્માત બાદની કામગીરીને ધ્યાને રાખીને તેને કુલ નુકસાનનો 10મો ભાગ એટલે કે 88 મિલિયન વોન (રૂ. 53 લાખ) દંડ તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચોઃ ભારત સામે ટ્રમ્પે ઝેર ઓક્યું, કહ્યું નરકનું દ્વાર, જાણો શું કર્યો બફાટ?

Back to top button