કોરોના કાળ પહેલાં વિશ્વભરના આઠમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિ માનસિક સ્થિતિથી પીડિત હતો. કોરોના બાદ આ આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, માનસિક સ્વાસ્થ્યની વિશેની ચર્ચામાં ધીમે ધીમે વધારો થયો છે. જ્યારે ભૂતકાળમાં આ મુદ્દા પર ચર્ચા કરવી નિષિદ્ધ ગણાતી હતી, ત્યારે હવે લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સ્વ-જાગૃત અને સંવેદનશીલ બન્યા છે. વસ્તુઓ બદલાઈ રહી છે. જ્યારે રાષ્ટ્રમાં રોગચાળો ફેલાયો, ત્યારે લોકોને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યની પણ ચિંતા રહેતી હોય છે.
આ પણ વાંચો : ડિપ્રેશનઃ 5 વર્ષના બાળકો પણ ડિપ્રેશનથી પીડાય છે, WHOનો ભયાનક રિપોર્ટ
લોકોની બગડતી જતી માનસિક સ્થિતિને લીધે લોકોમાં આત્મહત્યાનો પણ વધારો થઈ રહ્યો છે. ઘણાં લોકો સ્ટ્રેસ અને ડિપ્રેશનને લીધે આત્મહત્યા જેવાં પગલાં ભરી લે છે. જેને પગલે દર વર્ષે 7,00,000 થી વધુ લોકો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. વિશ્વભરમાં 100 માંથી 1 મૃત્યુ આત્મહત્યા થકી થાય છે અને ખાસ કરીને 15-29 વર્ષની વયના વ્યક્તિઓમાં મૃત્યુનું ચોથું મુખ્ય કારણ આત્મહત્યા છે. જેથી આવી ગંભીર માનસિક પરિસ્થિતિ ધરાવતા લોકો સામાન્ય લોકો કરતા 10 થી 20 વર્ષ વહેલા મૃત્યુ પામે છે. આ ઉપરાંત હતાશા, ચિંતા અને અન્ય વિવિધ માનસિક બીમારીઓમાંથી પસાર થતા લોકોની સંખ્યામાં નાટ્યાત્મક રીતે વધારો જોવા મળ્યો છે.
આવા મુદ્દાએને ઓળખવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ મનાવવામાં આવે છે.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસનો ઇતિહાસ
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી નેવુંના દાયકાની શરૂઆતમાં થઈ હતી. જ્યારે વર્લ્ડ ફેડરેશન ઑફ મેન્ટલ હેલ્થ (WFMH) એ સત્તાવાર રીતે દિવસની સ્થાપના કરી હતી અને ત્યારથી તે દર વર્ષે 10 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થે વર્ષ 1992માં 10 ઓક્ટોબરના રોજ એક અનિશ્ચિત પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું, જો કે તે વર્ષે તેની કોઈ ચોક્કસ થીમ ન હતી, માત્ર આ મુદ્દાની જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોને શિક્ષિત કરવા એ જ તેનો ઉદ્દેશ્ય હતો.
શું છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસનું મહત્વ ?
આ દિવસનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય, જીવનમાં તેનું મહત્વ અને લોકોએ તેમની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની ક્યારેય અવગણના ન કરવી જોઈએ તે અંગે જાગૃતિ લાવવાનો હેતુ છે. માનસિક રોગથી પીડિત લોકો દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓને પડકારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે તેઓ સામાજિક કલંક અને સમજણના અભાવથી ડરતા હોય છે તેથી તેમની માનસિક બીમારી અંગે અગાઉથી જાગૃતિ અને સારવારની જરૂરિયાતને ચિહ્નિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2022: થીમ
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 2022 ની થીમ Mental Health in an Unequal World એટલે કે “અસમાન વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય” છે અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા આ થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમ હેઠળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રસ ધરાવતા લોકો, ડોક્ટર્સ,વકીલો, સરકારી કર્મચારીઓ, નોકરીદાતાઓ,અને અન્ય હિસ્સેદારો માટે આ એક તક હશે કે તેઓ આ ક્ષેત્રમાં પ્રગતિને સ્વીકારી તે અંગે અવાજ ઉઠાવવા માટે એકસાથે આવે.
વિશ્વમાં આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્થિતિથી પીડિત : WHO
WHO મુજબ, “COVID-19 રોગચાળાએ માનસિક સ્વાસ્થ્ય માટે વૈશ્વિક કટોકટી સર્જી છે, ટૂંકા અને લાંબા ગાળાના તણાવને આ બીમારીએ વેગ આપ્યો છે અને લાખો લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું છે. એક અંદાજ મુજબ આ રોગચાળાના પ્રથમ વર્ષ દરમિયાન લોકોમાં ચિંતા અને ડિપ્રેસિવ ડિસઓર્ડર બંનેમાં 25% થી વધુ જેટલો વધારો થયો છે.”
WHOએ વધુમાં જણાવ્યું હતું કે 2019 માં રોગચાળા પહેલા, વિશ્વભરના આઠમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિ માનસિક સ્થિતિથી પીડિત હતા.જે કોરોના બાદ વધ્યાં હતાં. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં, માનસિક સ્વાસ્થ્ય માટેની સેવાઓ, કુશળતા અને ધિરાણ હંમેશા મર્યાદિત પુરવઠામાં રહે છે. જેને વધારવી ખુબ જ જરૂરી છે. કોવિડ-19 રોગચાળાએ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી છે અને તેની અસર હજુ પણ છે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, વર્ષ 2022 માં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ એ માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા અને આગળ વધારવાના પ્રયાસોને પુનર્જીવિત કરવાની તક પૂરી પાડશે.