સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન
ગાંધીનગર, 10 ઓગસ્ટ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
લોકોએ સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા જીવન વ્યવહારમાં પણ દરેક જીવ માટે પરોપકાર અને ‘જીવો અને જીવવા દો’ની ભાવના વણાયેલી છે.જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ. ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિ વર્ષ સિંહોની વસતી વધી છે. વિશ્વ સિંહ દિવસ’ જેવાં દિવસની ઉજવણી વર્ષમાં ભલે એકવાર કરવામાં આવે છે પરંતુ આવા કાર્યક્રમમાં આવવાથી વિદ્યાર્થીઓને પ્રકૃતિના જતન-સંવર્ધનની એક શીખ પણ મળશે તો આ પ્રકૃતિના રક્ષણ માટેનું મોટું કદમ લેખાશે.
2020ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં 674 જેટલા સિંહ નોંધાયા
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે. ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે. વનવિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થયો છે. તેમણે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2020ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં 674 જેટલા સિંહ નોંધાયા છે. સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટીશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઈકોક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃરાજકોટની તિરંગા યાત્રામાં ત્રણ થીમ સાથે ગુજરાત પોલીસના ટેબ્લોની આકર્ષક રજૂઆત