World Hypertension Day: સોશિયલ મીડિયાના અતિરેકથી નાના બાળકોમાં પણ સ્ટ્રેસ લેવલ વધ્યું હોવાનું તારણ
- બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા વર્લ્ડ હાયપર ટેન્શન ડે મનાવાય છે
- દેશમાં 24 ટકા પુરુષ અને 21 ટકા મહિલા હાયપર ટેન્શનથી પીડિત
- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસના કારણે હાયપર ટેન્શનના કેસ ચોક્કસ વધ્યા
રમવા કૂદવાનું બંધ થયું, રિલ્સ-ગેમ્સની લત લાગી પરિણામે 15વર્ષના બાળકોમાં હાઈપરટેન્શન વધ્યુ છે. સોશિયલ મીડિયાના અતિરેકથી નાના બાળકોમાં પણ સ્ટ્રેસ લેવલ વધ્યું હોવાનું તારણ સામે આવ્યું છે. વધુ પડતા તણાવથી હૃદયરોગ, સ્ટ્રોક, મગજ, કિડનીની બીમારીનું જોખમ રહે છે. આજે 17મી મેના રોજ વર્લ્ડ હાયપર ટેન્શન ડે તરીકે મનાવવામાં આવે છે.
બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા વર્લ્ડ હાયપર ટેન્શન ડે મનાવાય છે
એક સમય એવો હતો કે બાળકો ઘરમાં રહેવાને બદલે મેદાનમાં કે તેના મિત્રો સાથે રમવા દોડી જતા હતા. હવે મોટાભાગના બાળકો મોબાઇલની લતે ચડી ગયા છે. જેના કારણે 15 વર્ષના બાળકોમાં પણ હાઈપર ટેન્શન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં લાઇક્સ, વ્યૂઝ વધારવાની દેખાદેખીમાં પણ આવા કૂમળાં બાળકોનું સ્ટ્રેસ લેવલ પણ વધતું જોવા મળ્યું છે. 17મી મેના રોજ વર્લ્ડ હાયપર ટેન્શન ડે તરીકે મનાવવામાં આવે છે. છેલ્લા ચાર પાંચ વર્ષના અરસામાં વધુ પડતા તણાવને લીધે હાયપર ટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરના કેસનું પ્રમાણ વધ્યું છે. હાયપર ટેન્શનના કારણે હૃદય રોગ, સ્ટ્રોક, મગજ કે કિડની સંબંધિત બીમારીનું કારણ બની શકે છે. અત્યારે ઝડપી લાઇફ સ્ટાઇલ અને તણાવ વચ્ચે હૃદય રોગ કે સ્ટ્રોકનો હુમલો આવે તે પછી ખબર પડતી હોય છે કે, જે તે દર્દી આ પ્રકારની બીમારી હતી. સાયલન્ટ કિલર સમાન ગણાતી આ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા વર્લ્ડ હાયપર ટેન્શન ડે મનાવાય છે.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસના કારણે હાયપર ટેન્શનના કેસ ચોક્કસ વધ્યા
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસના કારણે હાયપર ટેન્શનના કેસ ચોક્કસ વધ્યા છે, ભોજનમાં મીઠાંનો વધુ પડતો ઉપયોગ પણ તેના માટે જવાબદાર છે. જંકફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, મીઠાંની માત્રા વધુ હોય તો બ્લડ પ્રેશર પર અસર થતી હોય છે. બ્લડ પ્રેશર વધુ અથવા ઓછું થઈ શકે છે. તબીબોનું કહેવું છે કે, વિવિધ બીમારીના કારણસર પણ બ્લડ પ્રેશર ઉપર નીચે થઈ શકે છે, આ માટે નિયમિત તપાસ કરાવવી જોઈએ.
દેશમાં 24 ટકા પુરુષ અને 21 ટકા મહિલા હાયપર ટેન્શનથી પીડિત
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના વર્ષ 2019થી 2021ના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયમાં 14 ટકા પુરુષો અને 11 ટકા મહિલા હાયપર ટેન્શનની બીમારીથી પીડાય છે. સરકારી અહેવાલના દાવા પ્રમાણે 10 ટકા જેટલા પુરુષ સ્ટેજ 1, 2 ટકા સ્ટેજ 2, 0.8 ટકા સ્ટેજ 3 ધરાવે છે. જ્યારે 7 ટકા મહિલાઓ સ્ટેજ 1, 2 ટકા મહિલા સ્ટેજ 2 અને 1 ટકા મહિલા સ્ટેજ 3 હાયપર ટેન્શન ધરાવે છે. દેશમાં 24 ટકા પુરુષ અને 21 ટકા મહિલા હાયપર ટેન્શનથી પીડિત છે. અન્ય એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 33 ટકા શહેરી અને 25 ટકા ગ્રામ્ય ક્ષેત્રના લોકો આ બીમારીથી પીડિત છે.