ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: આપણી ભાષાને સમૃધ્ધ કરવામાં કવિ નર્મદથી લઈને ગોંડલના ભગવતસિંહજીનો ફાળો અદ્ભુતપુર્વ

HD ન્યૂઝ ડેસ્કઃ દર વર્ષે 24મી ઑગસ્ટે કવિ નર્મદના જન્મ દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 700 વર્ષથી પણ જૂની અને 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે.

દેશનાં 15 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલાય છે
એક અંદાજ મુજબ, દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. 2011ની વસ્તીગણતરીના આંકડા મુજબ, દેશનાં 15 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. પૂર્વનાં રાજ્યોમાં પણ ગુજરાતી બોલતા લોકો મળી રહેશે. ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

ક્યાં ક્યાં બોલાય છે ગુજરાતી?: ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે. બીજે બધે, જેમ કે ચીન (ખાસ કરીને હોંગકોંગ), ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશો જેમ કે બહેરીન વગેરેમાં ગુજરાતી ઓછા પ્રમાણમાં બોલાય છે.

ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનોઃ આજે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ગૂર્જરાત અને ક્રમશ: એમાંથી ગુજરાત થયું છે. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે.

પ્રાદેશિક આધાર અલગ-અલગઃ ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. તો, યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે.

કવિ નર્મદનો જન્મદિવસઃ ગુજરાતમાં આધુનિક ગુજરાતીના પ્રણેતા કવિ નર્મદાશંકર લાલશંકર દવે, કે જેઓ કવિ નર્મદના નામે જાણીતા છે, આજે તેમનો જન્મદિવસ છે. આજનો દિવસ ગુજરાતમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. કવિ નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ, ૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાના તેઓ વિરોધી હતા અને એક રાષ્ટ્ર, સ્વરાજ, અને રાષ્ટ્ર ભાષા વિશેનો વિચાર કરનાર તેઓ પ્રથમ હોવાનું મનાય છે.

ભગવતસિંહજીનો અમૂલ્ય ફાળો: ગુજરાતીને સમૃદ્ધ કરવામાં કવિ નર્મદ અને ગોંડલના ભગવતસિંહજીનો અમૂલ્ય ફાળો છે. તેઓએ ગુજરાતી ભાષા શબ્દકોશ વિકસાવવામાં વર્ષો વિતાવ્યા હતા. ૧૮૫૦માં મોડર્ન ગુજરાતી ભાષાના તેઓ પ્રણેતા હતા, જેમાં આગળ જતાં દલપતરામ, પ્રેમાનંદ, કાન્ત, કાકા કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, કલાપી, ક.મા. મુનશી જેવા ધુરંધર ગુજરાતી શબ્દસાધકોએ ગુજરાતી ભાષાને નવો ઓપ આપ્યો. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે. ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહિ પરંતુ સમગ્ર સમાજની હોય છે.

ગૌરવપૂર્ણ બાબતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગેવાનીમાં ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું. આ વિધેયકને રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી ટેકો મળ્યો હતો તે ગૌરવપૂર્ણ બાબત છે. વિધેયક મુજબ, રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે

Back to top button