વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૨૪ : ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું નોલેજ સેશન યોજાયું
- કૃષિ મંત્રી રાઘવજી પટેલ રહ્યા ઉપસ્થિત
- કૃષિ મંત્રીએ કૃષિ ઉદ્યોગકારોને રાજ્યમાં રોકાણ માટે આમંત્રિત કર્યા
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટમાં આજે ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું નોલેજ સેશન યોજાયું હતું. Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047ની થીમ સાથે યોજાયેલા આ નોલેજ સેશનમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેણે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક વિવિધતાના કારણે ૩૫ થી ૪૦ પ્રકારના અનાજ, તેલીબિયાં, કઠોળ, મસાલા, ફળો અને શાકભાજી પાકોનું વાવેતર થાય છે. પાક વિવિધતાને કારણે ગુજરાત કૃષિ ઉદ્યોગો સ્થાપવા માટે સર્વોત્તમ સ્થળ છે.
ગુજરાતની ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ નીતિઓના પરિણામે ગુજરાતમાં આજે અનેક ઉદ્યોગો સ્થપાયા છે. જેથી ગુજરાતમાં કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ઉભું થયું છે. ગુજરાત સરકારની “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ આશરે ૨,૦૦૦થી વધુ લાભાર્થીઓને એગ્રો-પ્રોસેસિંગ એકમોની સ્થાપના કરવામાં સહાયતા મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી રાઘવજી પટેલે ગુજરાતમાં કૃષિ ઉદ્યોગો માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ પેદાશોના વેચાણ માટે ૨૨૪ કૃષિ ઉત્પાદક બજાર સમિતિઓ અને ૩૫૫ FPOનું મજબૂત નેટવર્ક ઉપલબ્ધ છે સાથે જ બાગાયતી પાકોના લણણી પછીના વ્યવસ્થાપન માટે રાજ્યમાં મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ગ્રેડિંગ અને શોર્ટિંગ એકમો અને રાઈપનીંગ ચેમ્બર જેવા એકમોની પણ સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં પાંચ નવા એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર બનાવવાનું પણ આયોજન છે, જે રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને આકર્ષિત કરશે.
રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકારે સિંગલ વિન્ડો સીસ્ટમ અભિગમ અપનાવીને ગુજરાત ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ શરૂ કર્યું છે. તેવી જ રીતે, ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ જમીનની કિંમતો નક્કી કરવા માટે પણ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંકની સ્થાપના કરવામાં આવી છે. તદુપરાંત, રાજ્યમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ઇન્ડેક્સ-એ એગ્રી બિઝનેસ એક્સટેન્શન બ્યુરોની પણ સ્થાપના કરી છે. રાજ્ય સરકારની આવી વિવિધ પહેલોથી ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણ વધશે, ખેડૂતોના નુકશાનમાં ઘટાડો થશે, ઉત્પાદનોના સારા ભાવ મળશે અને નિકાસમાં પણ વધારો થશે.
મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંગે વિસ્તૃત વિગતો આપીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ કરીને દેશ અને વિશ્વમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેના અદ્યતન સંસ્કરણોને પ્રોત્સાહન આપવાની આ એક સુવર્ણ તક છે. વિશ્વની માંગ મુજબ વિવિધ ઉત્પાદનો વિકસાવવા અને તેને વિશ્વ મંચ પર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત ઉત્તમ સ્થળ છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી તમામ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવા અને ગુજરાતના વિકાસમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.