વર્લ્ડ ફિશરીઝ ડેઃ રાજ્યમાં માછીમારોને 14,180 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ, 1,30,000 માછીમારોને વીમા સંરક્ષણ
- સાયન્સ સિટી ખાતે ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ
- બે દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે
- છેલ્લાં 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાન
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્ઝીબિશન પેવિલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ગ્લોબલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો, આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે.
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ – વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ,પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે. આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે અને મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ₹5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2014થી વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વના પરિણામે મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસ થકી ખરા અર્થમાં બ્લૂ રિવોલ્યુશન આવ્યું છે. 3 કરોડથી વધુ લોકો જોડાયેલા છે તેવા મત્સ્યોદ્યોગ વિભાગનું પહેલા કોઈ અલગ મંત્રાલય નહોતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ મંત્રાલય સ્થપાયું છે.
- મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સાગરખેડૂઓના સર્વાંગી વિકાસ માટે ‘સાગરખેડૂ વિકાસ યોજના’ શરૂ કરાવેલી, જે ખૂબ સફળ રહી છે.
ગુજરાત હંમેશાં ‘પોલીસી ડ્રીવન સ્ટેટ’ રહ્યું છે. રાજ્યમાં બ્લૂ ઈકોનોમી, ફિશરમેન અને ફિશ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પોલિસી અમલી છે. ફિશ ફાર્મર્સને બેકીશ વોટર લેન્ડ લીઝ પર આપવા માટે ‘ગુજરાત એકવાકલ્ચર લેન્ડ લીઝ પોલિસી’ અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, ઈનલેન્ડ રિઝરવોયર લીઝિંગ પોલિસી પણ બનાવવામાં આવી છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને પોલિસી થકી 2021-22 માં 80 લાખ મેટ્રિક ટન કરતા વધુ ફિશ પ્રોડક્શન થયું તથા 2 લાખ મેટ્રિક ટન ફિશ એકસપોર્ટ કરવામાં આવી છે.
ઘોલ માછલીને ગુજરાત રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી
પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ -અંર્તદેશીય મત્સ્ય જળાશય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, જે રાજ્યના માછીમારોને ઉપયોગી થશે અને પારદર્શકતા વધશે. વર્લ્ડ ફિશરીઝ ડે નિમિત્તે આજે ઘોલ માછલીને ગુજરાત રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી છે.
સહકાર ક્ષેત્ર ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે દેશમાં સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેશમાં 25000થી વધુ કો- ઓપરેટિવ સોસાયટીઓ આ ક્ષેત્રે કાર્યરત છે. જેના દ્વારા માછીમારો અને મત્સ્ય ઉદ્યોગોને ફિશ પ્રોસેસિંગ, ફિશ સ્ટોરેજ, ફિશ ડ્રાયિંગ સહિતના કાર્યો માટે રોકાણ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- મુખ્યમંત્રીએ ગુજરાત સાયન્સ સિટી ખાતે બનાવવામાં આવેલી એકવાટિક ગેલેરીની મુલાકાત લેવા માટે સૌ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
ગુજરાતના 1600 કિમીના વિશાળ સાગર કંઠા પર આવેલા ચૌદ જિલ્લાનાં 798 જેટલાં ગામડાંઓમાં મત્સ્યપાલન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર મત્સ્યોદ્યોગને સતત પ્રોત્સાહન આપી રહી છે. માછીમારોને બોટ માટેના ડીઝલમાં વેટ રાહત સહાય અંતર્ગત પાછલાં વર્ષોમાં રૂ.250 કરોડની રાહત આપવામાં આવી છે. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રૂ.443 કરોડની સહાય અપાઇ છે.
માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ
દેશમાં પ્રથમ વખત માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા. જેના દ્વારા તેમને વેપાર વૃદ્ધિ માટે ટોકન દરે બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ‘સાગરમાલા’ પરિયોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રોડ-રસ્તા, વીજળી, પોર્ટ કનેક્ટિવિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કાર્યો કરવામાં આવે છે.
મત્સ્યપાલકની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારની મહત્ત્વની યોજનામાંની એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં માછીમારોને આજ સુધી 14,180 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાયું છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હજુ વધુ લોકોને આવરી લેવાશે. આ ઉપરાંત માછીમાર સમૂહ દુર્ઘટના વીમા યોજના અંતર્ગત રાજ્યના 1,30,000 માછીમારો અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વીમા સંરક્ષણ પૂરું પડાયું છે.
- પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના અંતર્ગત રાજ્યમાં જળાશયોમાં કેજ કલ્ચર, બાયો ફ્લોકસ, આઇસ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, મત્સ્ય બીજ સંગ્રહ, ફિડમિલ પ્લાન્ટ યોજના જેવા અનેક લાભો માછીમારોને અપાઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારોને વતન લવાયા
ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોના ફલસ્વરૂપે પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલા ભારતીય માછીમારોમાંથી 482 માછીમારો વર્ષ 2023-24 માં પોતાના વતન લવાયા છે. પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલ 185 ભારતીય માછીમારો અને બોટને તુરંત છોડાવા માટે મંત્રી રાઘવજીભાઈ પટેલે ભારત સરકારને અનુરોધ કર્યો છે. આ સાથે જ ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રનો વધુ વિકાસ કરવા માટે એક એકવા પાર્કનું નિર્માણ કરવા માટે પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 માં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. કોન્ફરન્સમાં રાઉન્ડ ટેબલ મીટ, ટેકનિકલ સેશન્સ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેશન્સ, G2G/G2B અને B2B બાયલેટરલ્સ, એક્ઝીબિશન સ્ટોલ્સ અને ફૂડ મેળા સહિતના આકર્ષણો માછીમારો, મત્સ્ય ઉદ્યોગકારો, વિદેશી મત્સ્ય વ્યવસાયકારો અને સંસ્થાઓ, સ્ટાર્ટ અપ સહિત વિવિધ સહભાગીઓને વિવિધ વિષયો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે તથા વિવિધ વિષયો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચો: નડિયાદમાં “પ્રાકૃતિક ખેડૂત હાટ” નો પ્રારંભ, નાગરિકોને દર સોમવારે મળશે લાભ