સંસ્કૃતમાં એક મંત્રમાં આરોગ્ય ધનસંપદાનો ઉલ્લેખ કરાયો છે.આરોગ્યને સંપત્તિ સાથે સરખાવાયુ છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા.એટલે કે,જો તંદુરસ્તી હોય તો જીવનમાં દરેક પ્રકારની શાંતિ હોય જ. તા.૩ જૂનના દિવસને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનીપાછળનો હેતુ પણ સુખદ આરોગ્ય છે. રોજબરોજના જીવનમાં સાયકલનો ઉપયોગ વધારવાના હેતુથી વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.કોરોનાકાળ બાદ આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવાતા ચોમેર સાયકલીંગનું મહત્વ વધ્યુ છે.
વિશ્વ સાયકલ દિવસે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી આયોજીત સાયક્લોથોનનું અમદાવાદના વલ્લભ સદન ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. બંને વરિષ્ઠ મંત્રીશ્રીઓ દ્વારા લીલીઝંડી આપ્યા બાદ ખૂદ પોતે પણ સાયકલ ચલાવીને અંગદાનના સંદેશાને જનવ્યાપી બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સાયક્લીંગ કરીને લોકોને આરોગ્યપ્રદ રહેવા માટે સાયક્લીંગ અતિમહ્તવનું હોવાનો સંદેશો પણ આપ્યો હતો.અંગદાન એ જ મહાદાનની જનજાગૃતિ માટેની સાયક્લોથોનમાં અમદાવાદ શહેરના મેયર કિરિટભાઇ પરમાર, અમદાવાદ સિવિલ મેડીસીટીની વિવિધ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ડટ, ડાયરેક્ટર, ડીન, અંગદાન જનજાગૃતિની પ્રવૃતિ માટે ના સમાજસેવક દિલીપભાઇ દેશમુખ સહિત અમદાવાદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયકલ શારીરિક સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ માટે પણ ખુબ અનુકૂળ છે. આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કરી હતી. અને સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૧૮માં આ દિવસ ઉજવાયો હતો. આ દિવસે પરિવહનના સરળ, આથક રીતે પરવડે તેવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પને પસંદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરાય છે. સાયકલ ચલાવવાના અનેક ફાયદા પણ છે. માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સાયકલ ચલાવવી લાભદાયી છે. સાયકલ ચલાવવાથી હૃદય,રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે.શરીરના સ્નાયુઓ સ્વસ્થ અને મજબૂત બને છે. સાયકલ ચલાવવાથી અતિરિક્ત ચરબી ખુબ જ સરળતાથી બાળી શકાય છે.
દરરોજ ૩૦ મિનિટનું સાયકલિંગ સ્વાસ્થ્ય માટે લાભદાયી
આખો દિવસ બેસીને કામ કરતા હોય તેવા લોકો માટે સાયકલિંગ કરવું ખુબ જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સાયકલિંગ કરવું જોઈએ. નિયમિત સાયકલિંગ કરવાથી શારીરિકની સાથે માનસિક આરોગ્ય પણ જળવાઈ રહે છે. ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરનારાઓ માટે સાયકલિંગ કરવું ખુબ જરૂરી છે. સાયકલિંગ કરવાથી પર્યાવરણની જાળવણી માટે પણ મદદરૂપ થઈ શકાય છે.