વર્લ્ડકપ ઈફેક્ટઃ રોહિત શર્માના કૅચ અંગેના ફેક ન્યૂઝથી ઉભરાયું ઈન્ટનેટ
- વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં રોહિત શર્માનો કેચ છૂટયો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો
- ભારતીય ટીમ સાથે વર્લ્ડ કપ ફાઇનલમાં છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આરોપ
વર્લ્ડ કપ 2023 ફાઇનલ : સોશિયલ મીડિયા પર છેલ્લા થોડાક દિવસોથી એવા ઘણા વીડિયો જોવા મળી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 19 નવેમ્બરે રમવામાં આવેલી ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ટ્રેવિસ હેડે રોહિત શર્માનો કેચ છોડ્યો હતો. સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકો આવા અનેક દાવાઓ કરી રહ્યા છે. જેમાં ટીમ ઈન્ડિયા સાથે વર્લ્ડ કપ ફાઇનલમાં છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકોનો એક વર્ગ આવા દાવાઓને સાચા તરીકે સ્વીકારી રહ્યો છે અને તેને વ્યાપકપણે શેર પણ કરી રહ્યો છે. ફાઈનલ મેચ સમાપ્ત થયાને હજુ થોડા દિવસો જ થયાં છે, પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકો હજુ પણ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે ટીમ ઈન્ડિયાના હાથમાંથી વર્લ્ડ કપની ટ્રોફી છીનવાઈ ગઈ છે.
View this post on Instagram
ખરેખર, સોશિયલ મીડિયા અને તેમાં પણ ખાસ કરીને યુટ્યુબ પર કેટલાક એકાઉન્ટ્સ પરથી એવી માહિતી પોસ્ટ કરવામાં આવી હતી કે રોહિત શર્મા વર્લ્ડ કપ ફાઇનલમાં આઉટ ન હતો. આ અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટ્રેવિસ હેડ દ્વારા આ કેચ ચૂકી ગયો હતો પરંતુ તેના પર મેદાનમાંથી લઈ ચોથા અમ્પાયર સુધી કોઈનું ધ્યાન ગયું ન હતું. આ અહેવાલોમાં ટ્રેવિસ હેડની એક તસવીર પણ બતાવવામાં આવી રહી છે, જેમાં બોલ તેના હાથમાંથી પડતો જોવા મળી રહ્યો છે. યુટ્યુબના આ વીડિયો હવે ઈન્સ્ટા અને ફેસબુકના ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક પર ફરતા થઈ રહ્યા છે. પણ શું આ ખરેખર સાચું છે? ત્યારે આવો જાણીએ આ કેચ પાછળની શું છે હકીકત ?
શું ખરેખર રોહિત શર્માનો કેચ છૂટી ગયો હતો ?
આનો જવાબ ‘ના’ છે. રોહિત શર્માના આઉટ નહીં હોવાના અને ટ્રેવિસ હેડના કેચ ચૂકી જવાના તમામ દાવાઓ ખોટા છે. આ કેચનો વાસ્તવિક વીડિયો કે જે ICC દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર રીતે શેર કરવામાં આવ્યા છે તેને જોયા પછી દરેકને આ સ્પષ્ટ થઈ જશે. આ વીડિયો મેચ દરમિયાન ઘણી વખત બતાવવામાં આવ્યો હતો, જેમાં ટ્રેવિસ હેડ સ્પષ્ટપણે કેચ લેતો જોવા મળ્યો હતો. જેથી આ વિડીયો એ પુષ્ટિ કરે છે કે ટ્રેવિસ હેડે ખરેખર કેચ સાફ રીતે લીધો હતો, રોહિત શર્માને યોગ્ય રીતે આઉટ થયો હતો. એ વાતમાં કોઈ મતભેદ ન હોવો જોઈએ કે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે રમતના દરેક વિભાગમાં ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. ચોક્કસપણે, ઓસ્ટ્રેલિયાએ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગથી લઈને વ્યૂહરચના સુધીના દરેક વિભાગમાં સારું હતું અને આ જ કારણ છે કે તે ચેમ્પિયન બન્યું છે.
તો પછી આવા પોકળ દાવાઓ શા માટે?
આ દાવા માત્ર સોશિયલ મીડિયામાં લાઈક્સ અને સબસ્ક્રિપ્શન મેળવવા માટે કરવામાં આવી રહ્યા છે. યુટ્યુબ પર ન્યુઝ ચેનલના નામે ઘણા ફેક એકાઉન્ટ છે, જે ખોટા સમાચારો ચલાવીને જ પોતાના વ્યુ, લાઈક્સ અને સબસ્ક્રીપ્શનમાં વધારો કરે છે. હવે આ દેશમાં ક્રિકેટને પૂજવામાં આવે છે અને વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હારને કોઈ પચાવી શકતું નથી, તેથી આવા ખોટા દાવા કરીને વધુ વ્યુ એકત્રિત કરી શકાય છે.