World Cancer Day : બલ્ડ કેન્સરની સારવાર લેતા દર્દીને ડૉક્ટર બનાવી આ રીતે આરોગ્ય મંત્રી વધાર્યું મનોબળ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેક અ વિશ ફાઉન્ડેશન અને તબીબોના માધ્યમથી કૅન્સરગ્રસ્ત બાળકની એક ડૉક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે. આવી ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ, – “સુરક્ષા સેતુ સોસાયટી” માત્ર નામની
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્સરની સારવાર માટે જગજાણીતી સિવિલ મેડિસિટી હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કેન્સરની સારવાર લઈ રહેલા કલ્પ નામના બાળકની ડોક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. 10 વર્ષીય કલ્પ યોગેશભાઈ પટેલ લોહીના કેન્સર લ્યુકેમિયાનો દર્દી છે. કલ્પના પરિવારને એક વરસ પહેલા જાણ થઈ કે તેમનો એકનો એક લાડકવાયા દિકરા કેન્સર છે.
મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલને હાલ કિમોથેરાપી આપવામાં આવી રહી છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કલ્પની ડોક્ટર બનાવાની ઇચ્છા પૂરી કરી હતી. કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે વાતચીત કરીને તેમના સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી હતી.
મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા કલ્પની ઇચ્છા પૂર્ણ
4 ફેબ્રુઆરી વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરવા માટે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની ઈચ્છાપૂર્તિ કરી હતી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનું મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું. વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો- કરોડો કૅન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્યમંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ ખાતે આવેલ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પહોંચ્યા હતા.
બાળકોનું મનોબળ વધાર્યું
તેમજ કલ્પ માટે આરોગ્યમંત્રીએ પોતે જ દર્દી પણ બન્યા. કલ્પે ડૉક્ટર બનીને આરોગ્યમંત્રીને તપાસ્યા અને ડૉક્ટરની જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં કલ્પ અને ઋષિકેશ પટેલે બાળકોના કેન્સર વોર્ડની મુલાકાત લીધી હતી અને બાળકોની સાથે વાતચીત કરી હતી. જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઇને દર્દીઓને તપાસ કરે અને તેમના સ્વાસ્થની માહિતી મેળવે અને લોકોનો જુસ્સો વધારતા હોય છે તેવી જ રીતે તે રીતે કલ્પે પણ બધાની તપાસ કરી. કૅન્સરના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. અનીલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : જોગીન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાતમાં કરી મુરલી વિજયની નકલ
કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્તિ કર્યા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેક અ વિશ ફાઉન્ડેશન અને જી.સી.આર.આઇના તમામ તબીબોના માધ્યમથી કૅન્સરગ્રસ્ત બાળકની એક ડૉક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે. આ પ્રકારની ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે.