વિશ્વ બ્રેઇલ દિવસ : આણંદમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોનું જીવન ઘડતર કરતી અનોખી સંસ્થા
- પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સાક્ષર બનાવતી માત્ર ૬ ટપકાની લિપિ ‘‘બ્રેઇલ’’
- બ્રેઇલ લિપિથી તૈયાર થયેલ ખાસ પુસ્તકોથી પ્રજ્ઞાચક્ષુઓ મેળવે છે જ્ઞાન
- આણંદ જિલ્લાના મોગરી ખાતે આવેલ અંધ અપંગજન વિકાસ મંડળ કરી રહ્યું છે, દિવ્યાંગ બાળકોનું જીવન ઘડતર
આણંદ, 04 જાન્યુઆરી : આજના આધુનિક સમયમાં પળે પળે બલદાતા વિશ્વમાં પ્રગતિ, વિકાસ અને સમાનતાની નજરે જોતા ૪, જાન્યુઆરીનો દિવસ ખૂબ અગત્યનો છે. આ દિવસે ૧૮૦૯ ના વર્ષમાં એક મહાન વ્યક્તિ લુઇ બ્રેઇલ નો જન્મ થયો હતો, તેણે કરેલી મહાન શોધ એટલે કે બ્રેઈલ લિપિ ને કારણે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચન અને લેખન કરવું શક્ય બન્યું છે.
સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આશિર્વાદરૂપ બનેલી બ્રેઇલ લિપિ આજે પણ દ્રષ્ટીરહીત લોકોના જીવનમાં પથદર્શકનું કામ કરી રહી છે. દેશના વિવિધ ભાગોમાં એવી અનેકો સંસ્થા કાર્યરત છે જેઓ અંધજનો માટે કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ કરી રહી છે. જેમાંની એક સંસ્થા છે આણંદ જિલ્લાના મોગરી ખાતે આવેલ અંધ અપંગજન વિકાસ મંડળ.
બ્રેઈલ દિવસ અંગે વિશેષ માહિતી માટે HD Newsનો વીડિયો અચૂક જૂઓ>
અંધ અપંગજન વિકાસ મંડળ આણંદ જિલ્લામાં વર્ષ ૧૯૮૬ થી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યું છે. આ મંડળમાં ૬ થી ૨૦ વર્ષની વયજૂથના લગભગ ૯૦ બાળકોને શિક્ષણ સાથે જીવનોપયોગી તાલીમ આપવામાં આવે છે. ૧૦૦ ટકા દાનની રકમથી કાર્યરત આ મંડળ દ્વારા બાળકોને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ બ્રેઇલ લિપિના માધ્યમથી આપવામાં આવે છે.
મંડળના કેમ્પસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલે જણાવ્યું કે, છેલ્લા ૪ દાયકાથી મંડળ દિવ્યાંગ બાળકોના જીવન ઘડતરનું અતુલ્ય કાર્ય કરી રહ્યું છે. અત્યારે સંસ્થામાં ૧૦૦ ટકા અંધ હોય તેવા કુલ ૬૫ બાળકો છે જેમાં ૪૫ છોકરાઓ અને ૨૦ છોકરીઓ સામેલ છે. તેમજ અંશત: અંધ કે દિવ્યાંગ બાળકોની સંખ્યા અંદાજે ૧૨ જેટલી છે. તમામ બાળકોને કુલ ૧૩ શિક્ષકો દ્વારા સંસ્થા ખાતે જ શિક્ષણ અને અન્ય તાલીમ આપવામાં આવે છે. ૧૩ પૈકી ૨ શિક્ષકો મનીષાબેન પરમાર અને પુષ્પાબેન ચૌહાણ કે જેઓ પોતે પણ ૧૦૦ ટકા પ્રજ્ઞાચક્ષુ છે તેમના દ્વારા બાળકોને બ્રેઇલ લિપિનું અને બ્રેઇલ લિપિના માધ્યમથી શિક્ષણ અને સંગીત બન્નેનો અભ્યાસ કરાવવામાં આવે છે.
સંસ્થામાં બ્રેઇલ લિપિના ઉપયોગથી આપવામાં આવતાં શિક્ષણ વિશે જણાવ્યું કે, સંસ્થામાં ધોરણ ૧૨ સુધીના તમામ પુસ્તકો બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાળકોને બ્રેઇલ લિપિ લખવા માટે ખાસ પાટી બનાવવામાં આવે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ શરૂ કર્યાના ૪ વર્ષના સમયગાળામાં બ્રેઇલ લિપિ અને તેનો ઉપયોગ કરતાં શીખી જાય છે. સંસ્થા માટે જરૂરી સ્ટેશનરીનો તમામ સામાન અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતેથી મંગાવવામાં આવે છે.
મંડળમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અને અભ્યાસ બાદ કેવી રીતે સહાયરૂપ બનવામાં આવે છે ? બાળકોને સંસ્થામાં જ રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ધોરણ ૧૦ અને ૧૨ માં લેવામાં આવતી બોર્ડની પરિક્ષા માટે સંસ્થા દ્વારા મહાત્મા ગાંધી વિદ્યાલય મોગરીની સહાય લઇ વિદ્યાર્થીઓને લહીયાની સુવિધા પણ આપવામાં આવે છે. બોર્ડની પરીક્ષા માટે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લહીયાની માન્યતા મળી છે તેવી સમગ્ર આણંદ જિલ્લામાં અંધ અપંગજન વિકાસ મંડળ એ એક માત્ર સંસ્થા છે. સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ વિદ્યાનગર ખાતે ચાલતી અંધજન મંડળની કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે જાય છે. તેમજ કેટલાક વિદ્યાર્થીઓ સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે વડોદરા ખાતે આવેલી સંગીત સંસ્થામાં તાલીમ લે છે.
આ ઉપરાંત, ફ્રાંસના એક નાનકડા વિસ્તાર કુપ્રેમાં જન્મનાર લુઈ બ્રેઈલ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ વાંચી અને લખી શકે તે માટે શોધેલી લિપિ સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બની ગઈ છે. બ્રેઇલ લિપિનો પ્રત્યેક અક્ષર માત્ર ૬ ટપકાંની મદદથી બને છે. લુઇ દ્વારા શોધાયેલ આ લિપિ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઘણી સરળ અને સહાયરૂપ હોવાથી મદદરૂપ સાબિત થઈ અને આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
આ પણ વાંચો : જાપાનમાં વિમાન અકસ્માત: ફ્લાઇટમાં ક્રૂ અને મુસાફરોની શિસ્તનું અસાધારણ સંકલન