ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બસ પર 11000 વૉલ્ટનો ઇલેક્ટ્રિક વાયર પડ્તા આગ ભભૂકી ઊઠી, 6 લોકો જીવતા ભૂંજાયા

મઉ (ઉત્તર પ્રદેશ), 11 માર્ચ: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મુસાફરોથી ભરેલી એક બસમાં આગ ફાટી નીકળતા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર, બસમાં જાનૈયાઓ જાન લઈને જતા હતા, ત્યારે બસ પર 11000 વૉલ્ટનો હાઇ ટેન્શન ઇલેક્ટ્રિક વાયર પડ્યો અને બસમાં આગ ભભૂકી ઊઠી હતી. બસમાં 35 જાનૈયાઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રની ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. કેટલાક ઘાયલોને તરત હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરાઈ છે. એટલું જ નહીં, બેદકાર વિભાગીય અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે.

ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યો

આ ઘટના મરદહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાહર જતા રોડ પર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ મઉથી જાન લઈને મહાહર તરફ પાકા રસ્તા પરથી આવી રહી હતી. આગ એટલી ભયાનક હતી કે સ્થાનિકો પણ આગ બુઝાવવામાં મદદ કરી શક્યા ન હતા. આ દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સમગ્ર વહીવટતંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં 6નાં મૃત્યુ થયાં છે. કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાનું પણ કહેવાય છે.

સીએમ યોગીએ વળતરની જાહેરાત કરી

આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સીએમ યોગીએ X પર લખ્યું છે કે ગાઝીપુરમાં એક દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુ:ખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. મૃતકોના પરિજનોને ₹5 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા અને મફત સારવાર માટે નિર્દેશો આપ્યા છે. તેમણે કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય.

આ પણ વાંચો: સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, આઠ લોકો ઈજાગ્રસ્ત, એકનું મૃત્યુ

Back to top button