કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાત

કચ્છમાં સીવીડ પ્રોસેસિંગ થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશેઃ પુરષોત્તમ રુપાલા

  • કચ્છના કોટેશ્વર ખાતે ‘નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઑફ સીવીડ કલ્ટિવેશન’નો પ્રારંભ
  • વડાપ્રધાનના વિઝનથી કચ્છના કાંઠા વિસ્તારોમાં સીવીડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશેઃ પુરષોત્તમભાઈ રૂપાલા
ભુજ, 28 જાન્યુઆરીઃ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ કચ્છના કોટેશ્વર ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ‘નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન’નો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રીશ્રી રૂપાલાએ માછીમારો સાથે સંવાદ કરીને સીવીડ ખેતીની દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. સીવીડ ખેતીના ક્ષેત્રને મજબૂત અને વિકસિત કરવાના હેતુથી મત્સ્યોદ્યોગ વિભાગ આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.‌ આગામી સમયમાં નાના ખેડૂતો સીવીડની ખેતી કરીને સંબંધિત ઉદ્યોગ સાથે તેનું વેચાણ કરે તે દિશામાં આ કોન્ફરન્સ મહત્ત્વનો બની રહેશે.
સીવીડ કોન્ફરન્સ, HDNews
સીવીડ કોન્ફરન્સ, ફોટોઃ માહિતી ખાતું
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ ફિશરીઝ વિભાગની કામગીરી બિરદાવીને કહ્યું કે, સિવીડ એ ભવિષ્યની જરૂરિયાત છે. સીવીડ પ્રોસેસિંગ કચ્છમાં થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ વિશ્વાસ કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના વિઝનના લીધે કચ્છના કાંઠાના વિસ્તારોમાં સીવીડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશે. કોરી ક્રીક વિસ્તાર દરિયાઈ શેવાળની ખેતીના પ્રયાસોને કેન્દ્રીયમંત્રીએ બિરદાવ્યા હતા. ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું હોય સીવીડ ખેતીમાં અગ્ર હરોળમાં ઊભરી આવશે એવો આશાવાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સીવીડ ખેતીથી પર્યાવરણને ફાયદો થશે.‌ આ સીવીડ ખેતીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મહત્વની બની રહેશે. ખાસ કરીને સ્ટાર્ટઅપ આગળ આવે અને મહિલા સ્વયં સહાય જૂથ ભાગીદારી નોંધાવી એવી મંત્રીએ અપીલ કરી હતી. કોરી ક્રીક ખાતે સી-વીડની ખેતીનું ઓન-ફિલ્ડ નિરીક્ષણ કેન્દ્રીય મંત્રીશ્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું.
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ દરિયાઈ શેવાળની ખેતીથી કચ્છમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના રોજગારી મળે એ બાબતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. વડાપ્રધાનની વિઝનથી કચ્છ દરિયાઈ શેવાળની ખેતીમાં અનેક લક્ષ્યાંકો હાંસલ કરશે એવો વિશ્વાસ સાંસદે વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં દરિયાઈ શેવાળની ખેતીમાં કોરી ક્રીક પ્રવાસનનું હબ બનશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.
અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સીવીડની ખેતી માછીમારોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કચ્છના ખેડૂતો અને માછીમારો આ નવીન પ્રકલ્પ સાથે જોડાય તેમ અનુરોધ શ્રી જાડેજાએ કર્યો હતો.
ભારત‌ સરકારના ફિશરીઝ ડીપાર્ટમેન્ટના સચિવ અભિલક્ષ લીખીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ નાગરિકો સુધી સરળ ભાષામાં સીવીડને ખેતીને પહોંચાડવામાં પ્રબળ માધ્યમ બનશે. સીવીડ ખેતી માછીમારીની આવકમાં વધારો થશે.
આ કોન્ફરન્સમાં આઈસીએઆર-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમએફઆરઆઈ) અને સીએસઆઈઆર-સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસએમસીઆરઆઈ)ના વૈજ્ઞાનિકો, લક્ષદ્વીપની સી-વીડ કંપનીનાં ઉદ્યોગસાહસિકો સહિત સ્ટાર્ટઅપ જોડાયા હતા. સીવીડ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો અને સંશોધન સંસ્થાઓ દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, સીવીડ ખેતી પોલીસી મેકર્સ, કેન્દ્ર અને રાજ્યનાં મત્સ્યપાલન અધિકારીશ્રીઓ, સંશોધકો, સીવીડ ખેડૂતો, સ્થાનિક ગ્રામ પંચાયતોનાં પ્રતિનિધિઓએ ઉત્સાહભેર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
સીવીડ કોન્ફરન્સ, HDNews
સીવીડ કોન્ફરન્સ, ફોટોઃ માહિતી ખાતું
ઉલ્લેખનીય છે કે, સીવીડ એ એક દરિયાઇ-શેવાળ છે જે પરંપરાગત રીતે ખોરાક અને દવાઓના વપરાશ માટે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે. તે કાર્બનને શોષીને દરિયાઇ જૈવ વિવિધતાને ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. આમ તેનું પર્યાવરણીય મહત્ત્વ ઘણું જ વધી જાય છે. સીવીડ એ ખનિજો, આયોડિન, વિટામિન્સથી સમૃદ્ધ છે, જમીન અને ખાતરની જરૂરિયાત વિના સરળતાથી ઉગાડી શકાય છે.  છ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં ઉગાડીને ઉત્પાદન મેળવી શકાય છે. સીવીડની ખેતી પર્યાવરણના પ્રદૂષણને ઘટાડવા અને વધતી જતી વિશ્વની વસ્તી માટે અત્યંત પોષક આહારનું ઉત્પાદન કરવા માટે એક અસરકારક ઉપાય છે. કચ્છમાં કોરી ક્રીક અને પડાલા ક્રીકની સીવીડ કલ્ટિવેશન માટે પસંદગી કરવામાં આવી છે. મત્સ્યપાલન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય)માં મત્સ્યપાલન ક્ષેત્રમાં દરિયાઈ શેવાળની ખેતી માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના બની રહેશે. આ કોન્ફરન્સમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને સ્થાનિક માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Back to top button