Women’s T20 WC : સાઉથ આફ્રિકાએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને હરાવી પહોંચ્યું ફાઈનલમાં
દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમે તે સિદ્ધિ હાંસલ કરી છે, જે અત્યાર સુધી પુરૂષોની ટીમ ઇતિહાસમાં ક્યારેય હાંસલ કરી શકી નથી. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત ICC વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સમયે દક્ષિણ આફ્રિકામાં જ મહિલા T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. તેની બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે દક્ષિણ આફ્રિકા રવિવારે (26 ફેબ્રુઆરી)ના રોજ ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
આફ્રિકન ટીમ વર્લ્ડ કપમાં ચોકર્સ રહી હતી
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાની પુરૂષ ટીમ ઈતિહાસમાં ક્યારેય કોઈ ODI કે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી નથી. વર્લ્ડ કપમાં પુરુષોની ટીમને ફોર્સ કહેવામાં આવે છે. તે ઘણી વખત સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આગળ વધી શકી નહોતી. પરંતુ આ વખતે મહિલા ટીમે ઈતિહાસ રચ્યો છે.
આ રીતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો પરાજય થયો
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં બીજી સેમિફાઇનલ મેચ યજમાન દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેપટાઉનમાં રમાઈ હતી. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 4 વિકેટે 164 રન બનાવ્યા હતા. ટીમ તરફથી તઝમીન બ્રિટ્સે 68 અને લૌરા વોલ્વાર્ડે 53 રન બનાવ્યા હતા. 165 રનના ટાર્ગેટના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 8 વિકેટે 158 રન જ બનાવી શકી હતી. ટીમ માટે નેટ-સિવર બ્રન્ટે સૌથી વધુ 40 રન બનાવ્યા. ડેની વ્હાઇટે 34 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ માટે અયાબોંગા ખાકાએ 29 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે શબનીન ઈસ્માઈલે 27 રનમાં 3 વિકેટ લીધી હતી.