

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતને ઈંગ્લેન્ડ સામે પહેલી હાર મળી હતી. પોર્ટ એલિઝાબેથમાં આજે શનિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 11 રને પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં પાંચ વિકેટે 140 રન જ બનાવી શકી હતી.
ગ્રુપ-બીમાં ભારતીય ટીમ જીતની હેટ્રિક નોંધાવી ન શકી
મહિલા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 11 રને હરાવતા ગ્રુપ-બીમાં ભારતીય ટીમ જીતની હેટ્રિક નોંધાવી શકી નથી. તેણે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અને પછી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરની પાંચ વિકેટ અને ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના 52 રન પણ ટીમ ઈન્ડિયાના કામમાં ન આવ્યા.
ઇંગ્લેન્ડની નતાલી સાયવર પ્લેયર ઓફ ધ મેચ જાહેર
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં પાંચ વિકેટે 140 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી નતાલી સાયવરે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સોમવારે આયર્લેન્ડ સામે મુકાબલો
ટીમ ઈન્ડિયાની આગામી મેચ હવે ગ્રુપમાં આયર્લેન્ડ સામે થશે. આ મેચ સોમવારે, 20 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની સતત ત્રીજી જીત છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની ટીમને હરાવી હતી. ઈંગ્લેન્ડ ગ્રુપમાં તેની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ત્રણ મેચમાંથી ત્રણ જીત સાથે ટોપ પર છે. તેની પાસે છ અંક છે. ભારત ત્રણ મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. તેના ચાર અંક છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. બંનેને બે-બે માર્કસ છે. આયર્લેન્ડ ત્રણમાંથી ત્રણેય મેચ હારી ચૂક્યું છે.