WT20 WC : સેમી ફાઈનલમાં ભારતની 5 રને હાર સાથે ટીમ વર્લ્ડકપમાંથી બહાર, AUS ફાઈનલમાં
ICC મહિલા T20 વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલમાં ભારતનો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 8 વિકેટ ગુમાવીને 167 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઉતાવળમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 34 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 24 બોલમાં 43 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો ટોસ
કેપ ટાઉન ખાતે રમાયેલી પ્રથમ સેમી ફાઈનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ટીમ માટે બેથ મૂનીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 49 અને એશ્લે ગાર્ડનરે 31 રન બનાવ્યા હતા. શિખા પાંડેએ 2 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવને 1-1 સફળતા મળી હતી.
હરમનપ્રીત રન આઉટ ટર્નિંગ પોઈન્ટ હતો
એક સમયે ભારતે 14 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 124 રન બનાવી લીધા હતા. ત્યારે ટીમ ઈન્ડિયાને 36 બોલમાં 49 રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. કેપ્ટન હરમનપ્રીત કૌર 30 બોલમાં 43 રન અને રિચા ઘોષે 14 રન બનાવ્યા બાદ ક્રિઝ પર હતી. આ પછી હરમનપ્રીતે આગલી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી અને તે જ ઓવરમાં વિચિત્ર રીતે રનઆઉટ થઈ ગઈ. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. એક રન લીધા બાદ તે બીજો રન લેતી વખતે બેટને ક્રિઝની અંદર રાખવાનું ભૂલી ગઈ હતી. તે 34 બોલમાં 52 રન બનાવી શકી હતી.
ગાર્ડનર બની પ્લેયર ઓફ ધ મેચ
હરમનપ્રીત આઉટ થતાંની સાથે જ રિચા પણ ખરાબ શોટ રમીને આગલી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. 19મી ઓવરમાં સ્નેહ રાણા આઉટ થતાં ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ત્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવ ક્રિઝ પર હતા. જો કે ટીમ ઈન્ડિયા માત્ર 10 રન જ બનાવી શકી અને પાંચ રનથી મેચ હારી ગઈ. હરમનપ્રીત સિવાય જેમિમાએ 24 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયા જેવા સ્ટાર્સ નિષ્ફળ ગયા. એશ્લે ગાર્ડનરે બે વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.