વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝન આજે પૂરી થઈ ગઈ છે. ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવ્યું છે. કેપ્ટન હરનપ્રીત કૌરની ટીમે પ્રથમ સિઝનનો ખિતાબ જીતીને અજાયબી કરી બતાવી હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 134 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
નતાલીએ મુંબઈને ચેમ્પિયન બનાવ્યું
ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટીમને ખિતાબ અપાવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 134 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ IPLમાં પાંચ વખત ચેમ્પિયન બની છે.
કેવી રહી મુંબઈની ઇનિંગ્સ ?
નતાલીએ એમેલિયા કેર સાથે ચોથી વિકેટ માટે 20 બોલમાં અણનમ 39 રનની ભાગીદારી કરી હતી. અમેલિયા કેર આઠ બોલમાં 14 રન બનાવીને અણનમ રહી હતી. નતાલીએ આ પહેલા કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 74 બોલમાં 72 રનની ભાગીદારી નોંધાવી હતી. હરમનપ્રીત 39 બોલમાં 37 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હિલી મેથ્યુઝે 13 અને યાસ્તિકા ભાટિયાએ ચાર રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રાધા યાદવ અને જેસ જોનાસેને એક-એક વિકેટ લીધી હતી.
દિલ્હીનો દાવ કેવો રહ્યો હતો ?
દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો એક સમયે તેની નવ વિકેટ 79 રનમાં પડી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ 100 રનના સ્કોર સુધી પણ પહોંચી શકશે નહીં. ત્યાંથી શિખા પાંડે અને રાધા યાદવે ઇનિંગ સંભાળી હતી. બંનેએ છેલ્લી વિકેટ માટે 24 બોલમાં અણનમ 52 રનની ભાગીદારી નોંધાવી હતી. રાધાએ 12 બોલમાં અણનમ 27 અને શિખાએ 17 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. રાધાએ પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શિખાના બેટમાંથી ત્રણ ચોગ્ગા નીકળ્યા હતા. તેણે સિક્સર પણ ફટકારી હતી.
અનુભવીઓએ નિરાશ કર્યા
મેચમાં દિલ્હીના અનુભવી બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. સુકાની મેગ લેનિંગ સિવાય કોઈ વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યું ન હતું. લેનિંગે 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. તે કમનસીબે રનઆઉટ થઈ હતી. મરિજન કેપે 18 અને શેફાલી વર્માએ 11 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી ઈસી વોંગ અને હીલી મેથ્યુઝે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. એમેલિયા કેરને બે સફળતા મળી હતી.