ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી 9% કરતા પણ ઓછી, 1962થી અત્યાર સુધીમાં માત્ર 111 મહિલાઓ જ MLA બની

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત મતદાનને હવે ગણતરીના જ દિવસો રહ્યાં છે. ત્યારે દરેક પક્ષ હાલ મતદાતાઓને રીઝવવાના ભારે પ્રયાસ કરી રહ્યાં છે. જોકે ચૂંટણી આવે અને મહિલાઓની ભાગીદારી અંગે ચર્ચા શરૂ થઈ જાય છે. ગુજરાતના ઈતિહાસની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી મહિલાઓની ભાગીદારી ઘણી જ ઓછી જોવા મળી છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો 9 ટકા કરતા પણ ઓછી ભાગદારી મહિલાઓની રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી 13 વિધાનસભા ચૂંટણી યોજાઈ છે, જેમાં 2,307 ધારાસભ્ય ચૂંટાયા છે પરંતુ મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 111 જ રહી છે.

મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 9 ટકા
ચૂંટણી પંચની વેબસાઈટના આંકડા મુજબ વર્ષ 1962ની પહેલી વિધાનસભા ચૂંટણીથી લઈને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સુધી, ગુજરાતમાં માત્ર ત્રણ જ પ્રસંગ આવ્યા જ્યારે મહિલા ધારાસભ્યોની સંખ્ય 9 ટકાની નજીક પહોંચી. જો કે આ દરમિયાન ગુજરાતમાં મહિલાઓની વસતિ અને તેમના મતદાન ટકાવારીમાં ઉતરોત્તર વધારો થતો ગયો. કેટલાંક અપવાદોને બાદ કરતા

1962માં 154 સીટ પર ચૂંટણી થઈ હતી, જેમાં 11 મહિલાઓ જીતી હતી. ત્યારબાદ 1972ની ચૂંટણીમાં માત્ર 1 મહિલા વિધાનસભા પહોંચ્યા હતા. વર્ષ 1985, 2007 અને 2012ની ચૂંટણીમાં સૌથી વધુ 16 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1962માં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. તે સમયે 19 મહિલાઓએ ચૂંટણી મેદાનમાં જંપલાવ્યું હતું. અને 11 મહિલાઓની જીત થઈ હતી. જે બાદ યોજાયેલી ચૂંટણીમાં મહિલાઓની જીતની ટકાવારી સતત ઘટતી રહી. વર્ષ 1975માં 14 મહિલાઓએ ચૂંટણી અને 4 મહિલાઓને જ જીત મળી. 1980માં 24 મહિલાઓએ ચૂંટણી લડી અને 5 મહિલા ઉમેદવારને જ જીત મળી. તો 1990ની ચૂંટણીમાં 53માંથી 4 મહિલાઓ જીતી, 1995માં 94 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 2 મહિલા ચૂંટણી જીતી હતી. જ્યારે 2002માં 37 મહિલાઓએ ચૂંટણી લડી અને 12 મહિલાઓ જ જીતી હતી. 2007 તથા 2012ની ચૂંટણીમાં 16-16 મહિલાઓ જીતીને વિધાનસભા પહોંચી હતી. તો વર્ષ 2017ની ચૂંટણીમાં 13 મહિલાઓ જીતી હતી.

1985માં પહેલી વખત મહિલા ધારાસભ્યની સંખ્યા વધી હતી
પહેલી વખત 1985માં 182 સીટ પર 16 મહિલાઓ જીતીને વિધાનસભા પહોંચી હતી. આ ચૂંટણીમાં 42 મહિલાઓ મેદાનમાં હતી, જ્યારે મહિલાઓ દ્વારા મતદાનની ટકાવારી 44.35 ટકા હતી. કુલ 1.92 કરોડ મતદાતાઓમાં મહિલાઓની સંખ્યા લગભગ 95 લાખ હતી.

જે બાદ વર્ષ 2007 અને 2012ની ચૂંટણીમાં ફરી એકવખત 16 જેટલી મહિલાઓ ચૂંટાઈ હતી. જો કે ગત વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો ઘટીને 13 થયો હતો. આ ચૂંટણીમાં સર્વાધિક 126 મહિલાઓને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે 66.11 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.

2022ની ચૂંટણીમાં આટલા મહિલા ઉમેદવારો મેદાનમાં
વર્ષ 2022ની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ દિવસો બાકી છે. આ વખતની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારોની સંખ્યા પ્રમાણમાં ઘણી જ ઓછી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 17 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસમાંથી 12 મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી છે. એટલે કે ત્રણ મુખ્ય પાર્ટીઓની કુલ 35 મહિલા ઉમેદવાર આ વખતે ચૂંટણી મેદાનમાં છે.

ગુજરાતની સ્થાપના બાદ 54 વર્ષે પહેલાં CM મળ્યાં હતા
મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા બન્યા હતા. જ્યારે કલ્યાણજી મહેતા પહેલા વિધાનસભા અધ્યક્ષ હતા. આશરે 54 વર્ષ બાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે બાદ 22 મે, 2014નાં રોજ રાજ્યને પહેલાં મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ મળ્યાં હતાં. આનંદીબહેને 6 ઓગસ્ટ, 2016નાં રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

2021માં વિધાનસભા અધ્યક્ષ પદે પહેલાં મહિલાની વરણી
27 સપ્ટેમ્બર 2021નાં રોજ ડૉ.નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલાં મહિલા અધ્યક્ષ બન્યા હતા. ગુજરાતમાં 2017 સુધી 13 વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ, જેમાં અત્યાર સુધીમાં 2,307 ધારાસભ્યો ચૂંટાયા હતા જેમાંથી પુરુષ ધારાસભ્યોની સંખ્યા 2,196 રહી તો મહિલા ધારાસભ્ય માત્ર 111 જ.

UPમાં સૌથી વધુ મહિલા ધારાસભ્ય
વર્તમાનમાં સૌથી વધુ મહિલા ધારાસભ્ય ઉત્તરપ્રદેશમાં છે. 2022માં 403 સભ્યવાળી વિધાનસભામાં 47 મહિલાઓની જીત થઈ હતી. જે બાદ મહિલાઓનું પ્રભુત્વ બંગાળમાં જોવા મળે છે. વર્ષ 2021માં 294 સભ્યવાળી વિધાનસભામાં 40 મહિલાઓ જીતી હતી. બિહારમાં 2020માં 243 સીટ પર થયેલી ચૂંટણીમાં 26 મહિલાઓએ જીત નોંધાવી હતી.રાજસ્થાનમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 24 મહિલાઓ જીતી હતી. જ્યારે મધ્યપ્રદેશમાં 21 મહિલાઓ જીતીને વિધાનસભા પહોંચી હતી.

Back to top button