
- લખનૌની આ યુવતી ખેતી કરીને કમાઈ રહી છે મહિને લાખોની કમાણી
લખનઉ, 8 માર્ચ, 2024: કહેવાય છે ને કે મનમાં કશું કરવાની ઈચ્છા અને દ્રઢ મનોબળ હોય તો સાવ સામાન્ય લાગતાં કામને પણ ખાસ બનાવી શકાય છે. આજકાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી રહી છે ત્યારે આવું જ કંઈક કરી બતાવ્યું છે ઉત્તર પ્રદેશની એક યુવતીએ.
નવયુવાન ખેડૂતની સક્સેસ સ્ટોરી
આજે વાત કરીશું યુપીની રાજધાની લખનૌની રહેવાસી 27 વર્ષની અનુષ્કા જયસ્વાલની. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈકોનોસમિક્સની ડિગ્રી મેળવ્યા બાદ બીજાની જેમ નોકરી કરવાને બદલે અનુષ્કાએ શાકભાજીની ખેતી કરવાનું નક્કી કર્યું અને આજે તે દર મહિને લગભગ 2 લાખથી વધુ અને વર્ષે અંદાજે 45 લાખ રૂપિયા કમાઈ રહી છે અને સાથે બીજાને પણ રોજગારી આપે છે.
લખનઉની અનુષ્કા જયસ્વાલે દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, પણ 23 વર્ષની ઉંમરે તેણે નોકરી કરવાને બદલે ખેતી કરવાનું પસંદ કર્યું અને છેલ્લા 4 વર્ષથી તે ખૂબ સફળતાપૂર્વક આ કામ કરી રહી છે.
કેવી રીતે કરી શરૂઆત
એક ઈન્ટરવ્યુમાં અનુષ્કાએ જણાવ્યું કે વર્ષ 2021માં તેણે લખનઉના મોહનલાલગંજ વિસ્તારના સિસેન્ડી ગામમાં એક એકર જમીન લીઝ પર લઈને ખેતીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે જણાવ્યું કે તેને સરકાર તરફથી ખેતી માટે 50 ટકા સબસિડી મળી હતી, ત્યારબાદ તેણે એક એકર જમીનમાં પોલી હાઉસ શરૂ કર્યું અને આજે તે 6 એકર જમીનમાં શાકભાજીની ખેતી કરીને ઘણો નફો કમાઈ રહી છે.
ખેતી માટે લીધી તાલીમ
અનુષ્કા જયસ્વાલે જણાવ્યું કે લખનઉની તમામ શાક માર્કેટ ઉપરાંત શોપિંગ મૉલમાં પણ તેણે ઉગાડેલાં શાકભાજી વેચાય છે જેના લીધે તેને સારૂં વળતર મળે છે. તેના પરિવાર વિશે તેણે જણાવ્યું હતું કે તેના પિતા બીઝનેસ કરે છે અને માતા હાઉસવાઇફ છે જ્યારે તેનો ભાઈ પાયલોટ, બહેન વકીલ અને ભાભી સૉફ્ટવેર એન્જિનિયર છે.
અનુષ્કા જણાવે છે કે જ્યારે તેણે ખેતી કરવાનો વિચાર આવ્યો ત્યારે તેની પાસે કોઈ અનુભવ ન હતો, પરંતુ તેણે પહેલાં ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ જમીન લીઝ પર લઈને તેણે ખેતી કરવાની શરૂઆત કરી, ત્યારબાદ તેણે તેને ત્યાં કામ કરતાં ખેડૂતોને પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવાની તાલીમ અપાવી.
સંપૂર્ણ જૈવિક ખાતરથી કરે છે ટનનું ઉત્પાદન
આ 27 વર્ષીય અનુષ્કા એક એકર જમીનમાં બનાવેલા પોલી હાઉસમાં 50 ટન વિદેશી કાકડી અને 35 ટન લાલ અને પીળા શિમલા મરચાંની ખેતી કરે છે. તે કોઈપણ પ્રકારના કેમિકલયુક્ત ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવાને બદલે જૈવિક રીતે આ શાકભાજીની ખેતી કરે છે. તેણે વધુમાં જણાવ્યું કે ખેતી વિભાગ તરફથી પ્રતિ ડ્રોપ મોર ક્રોપ હેઠળ 90 ટકા સબસિડી મળી છે, જેના કારણે શાકભાજીની ખેતીમાં ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન થાય છે.