પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા મહિલા દિવસનું આયોજન


- “સ્ત્રીઆર્થ મૂવમેન્ટ” ના પ્રણેતા શ્રીમતી પ્રતિભાબેન ઠક્કરે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું
ભાવનગર, 8 માર્ચ, 2024: પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા મંગળવારે મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળની મહિલા રેલવે કર્મચારીઓ, ખાસ કરીને પુરૂષ પ્રભુત્વ ધરાવતા કાર્યક્ષેત્ર/સંવર્ગમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલ 21 મહિલા કર્મચારીઓને રેલવે પ્રશાસનના વિવિધ વિભાગોમાં ગેંગ, લોકો પાયલોટ, પોઈન્ટ્સ મેન વગેરે જેવી પોસ્ટની કેટલીક શ્રેણીઓમાં તેમની પોસ્ટ્સ અને કૌટુંબિક જવાબદારીઓને સફળતાપૂર્વક સંતુલિત કરીને તેમનું કાર્ય સફળતાપૂર્વક કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વકીલ, લેખક, કવિ અને “સ્ત્રીઆર્થ મૂવમેંટ” ના પ્રણેતા શ્રીમતી પ્રતિભાબેન ઠક્કર મુખ્ય વક્તા હતા. “મહિલા સશક્તિકરણ” વિષય પર પોતાનું વક્તવ્ય આપીને, પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો અને ત્યાં હાજર મહિલાઓને પ્રોત્સાહિત કર્યા. બાળકોને પોતપોતાનો દૃષ્ટિકોણ બદલવા અને મહિલાઓ પોતપોતાના સ્થાને રહીને પણ પોતાની વિચારસરણી બદલીને મહિલા સમાજની પ્રગતિ દ્વારા સશક્ત બનવા આહવાન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળના પ્રમુખ શ્રીમતી સંતોષી જીના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયો હતો. જેનું સંચાલન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના સચિવ શ્રીમતી પ્રમિલા પ્રસાદ અને ખજાનચી ઈશા ગુપ્તાએ કર્યું હતું.

આ પ્રસંગે ભાવનગર ડિવિઝનમાં વિવિધ જગ્યાઓ પર કાર્યરત મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝનના પ્રમુખ શ્રીમતી સંતોષીજીએ તમામ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા અને તેમને શુભેચ્છા પાઠવી.