નવી દિલ્હી, 7 માર્ચ : ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને મહિલા દિવસ પહેલા સરકારે ગરીબ પરિવારોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. હવે પીએમ ઉજ્જવલા યોજના સબસિડી હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે.
વર્ષ 2016માં યોજના શરૂ કરાઇ હતી
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 મે 2016ના રોજ ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. હવે ફરી એકવાર મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર સબસિડીમાં 300 રૂપિયાનો વધારો કર્યો છે. મહિલાઓને 31 માર્ચ 2025 સુધી ઉજ્જવલા યોજના પર સબસિડીનો લાભ મળશે.
12 હજાર કરોડનો બોજ સરકાર પર પડશે
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે તેમજ આ નિર્ણયથી સરકારી તિજોરી પર 12 હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને એક વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 કરવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો
વધુમાં એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપવામાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે, જેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.