દિલ્હી ચૂંટણીમાં મહિલા મતદાતાઓનો ડંકો, પ્રથમ વખત પુરુષો કરતા વધુ મતદાન થયું
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી : દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ છે. દિલ્હીમાં પહેલીવાર મહિલાઓએ પુરૂષો કરતાં વધુ સંખ્યામાં મતદાન કર્યું છે. રાજધાનીમાં કુલ નોંધાયેલા મહિલા મતદારો (72.37 લાખ)માંથી 60.92 ટકાએ મતદાન કર્યું હતું, જ્યારે પુરુષોએ 60.21 ટકા મતદાન કર્યું હતું. મતદારોમાં તેમના હિસ્સાની સરખામણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધી રહી છે અને 2020ની ચૂંટણીમાં પુરુષોની સરખામણીમાં લગભગ સમાન હતી.
દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. AAP, BJP અને કોંગ્રેસ દ્વારા 210 ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 25 મહિલાઓ છે. દિલ્હીના 46 ટકાથી વધુ મતદારો મહિલાઓ છે. શુક્રવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 40 મતવિસ્તારોમાં મહિલાઓની મતદાન ટકાવારી પુરૂષો કરતાં વધુ હતી.
શુક્રવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 40 વિધાનસભા મતવિસ્તારોમાં મહિલાઓની મતદાન ટકાવારી પુરૂષો કરતા વધુ હતી. તેમાં દક્ષિણ, દક્ષિણ-પૂર્વ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ઘણા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. સૌથી મોટો તફાવત, 5 ટકાથી વધુ, ઓખલામાં જોવા મળ્યો હતો, જ્યાં 58.2 ટકા નોંધાયેલ મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 52.5 ટકા પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું.
બાદરપુર, તુગલકાબાદ, કાલકાજી અને સંગમ વિહાર મતવિસ્તારમાં, મહિલા મતદારોએ પુરૂષો કરતાં ઓછામાં ઓછા ત્રણ ટકા વધુ મત આપ્યા છે. આ ત્રણ બેઠકો હાલમાં આમ આદમી પાર્ટી (AAP) પાસે છે. ગ્રેટર કૈલાશ અને વિશ્વાસ નગર વિધાનસભામાં મહિલાઓ અને પુરુષોની મતદાન ટકાવારી સમાન હતી.1993માં વિધાનસભાની પુનઃસ્થાપના બાદથી દિલ્હીની કમાન ત્રણ મહિલા મુખ્યમંત્રીઓના હાથમાં છે. જેમાં ભાજપના સુષ્મા સ્વરાજ (1998), કોંગ્રેસના શીલા દીક્ષિત (1998-2013) અને AAPના આતિશી (સપ્ટેમ્બર 2024 સુધી)નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર, ઝારખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોની જેમ, આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત એ જાહેરાત સાથે થઈ હતી કે જો AAP ફરી સત્તામાં આવશે, તો ટેક્સ ન ભરતી મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવશે. પાર્ટીની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક મહિલાઓ માટે મફત બસ મુસાફરી પણ તેના ચૂંટણી પ્રચારનો એક ભાગ હતી.