બનાસકાંઠાના વાડિયા ગામની મહિલાઓ આત્મનિર્ભર બની, જાણો કેવી રીતે થઈ આત્મસન્માનની શરૂઆત
થરાદ, 16 ડિસેમ્બર 2023, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે. તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં અપર્ણ કરી આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરી છે.જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતાં મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે.
વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠાનો સાથ સહકાર સાંપડ્યો
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્યધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલાં આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર “ટીમ બનાસકાંઠા” નો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી પરિવર્તનની શરુઆત થઇ છે.તાજેતરમાં જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વાડિયા ગામની મુલાકાત કરી હતી. જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત
વાડિયા ગામની બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે RSETI (Rural Self Employment Training Institutes) સાથે સંકલન કરી સખી મંડળની 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને RSETI દ્વારા 9 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી.જેમાં વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું “શ્રી વાડિયા અગરબત્તી” બ્રાન્ડનેમથી વેચાણનો શુભારંભ 16 મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે. વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે.
પશુપાલન, સાબુ, ફિનાઈલ બનાવવાની તાલીમ અપાશે
થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખીમંડળ બનાવાની કામગીરી અન્વયે વાડિયા ગામની બહેનો દ્વારા આઠ સખી મંડળ બનાવવામાં આવ્યા છે અને બાકી બહેનોને પણ એમાં જોડાવવા પ્રયત્નો ચાલુ છે. બાકીની બહેનોને RSETI દ્વારા પશુપાલન તેમજ સાબુ ફિનાઈલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવનાર છે. જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે. ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે ગામમાં પીવાના પાણીના બોરનું નિર્માણ, શાળાનું મકાન, આંગણવાડી મકાન, શૌચાલય, મકાન સહાય, પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે તાત્કાલિક ચાર ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃપાલનપુરમાં ગુમ થયેલી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરિવારજનોએ એસપી કચેરીનો ઘેરાવ કર્યો