બરેલીના 250 ગામોની મહિલાઓ ભયભીત, સીરીયલ કિલરના ડરથી ઘરમાં કેદ
- કાનની બુટ્ટીઓ માટે પ્રખ્યાત જિલ્લાના 250 ગામોમાં મહિલાઓ ભયભીત
- બરેલીના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 6 માહિનામાં 9 મહિલાઓની હત્યા
- ત્રણ કેસ પોલીસે ઉકેલ્યા, પણ બાકીના 6 કેસમાં જ્યાંથી તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યા જ છે
બરેલી, 4 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશનો બરેલી જિલ્લો ભલે તેના કાનની બુટ્ટીઓ માટે પ્રખ્યાત હોય, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓના કારણે ત્યાં રહેતી મહિલાઓ અને યુવતીઓ મુશ્કેલીમાં છે. તેમના જીવ જોખમમાં છે. કારણ કે બરેલીના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 6 મહિનામાં એક પછી એક કુલ નવ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. જેના કારણે જિલ્લાના 250 ગામોમાં વિચિત્ર ભય ફેલાયો છે. ત્યાના લોકો એટલી હદે ડરી ગયા છે કે દિવસે પણ ઘરની બહાર નીકળતા ડરે છે.
6 મહિનામાં 9 હત્યા
છેલ્લા 6 મહિનામાં બરેલીના ગ્રામીણ વિસ્તારોમાં એક પછી એક નવ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. જેમાંથી ત્રણ કેસ તો પોલીસે ઉકેલી નાખ્યા છે, પરંતુ બાકીના છ કેસમાં પોલીસ તપાસ ત્યાં જ રોકાઈ છે જ્યાંથી શરૂ થઈ હતી. મતલબ કે આ છ કેસ છેલ્લા છ મહિનાથી વણઉકેલાયેલા પડ્યા છે. અને આ વણઉકેલાયેલા હત્યાના કેસોએ લોકોને અનામી સિરિયલ કિલરથી ડરાવવાનું શરૂ કર્યું છે. ગામડાઓમાં મહિલાઓ એકલી ઘરની બહાર નીકળતા ડરવા લાગી છે. તેઓ કાં તો જૂથોમાં અથવા પુરુષો સાથે બહાર જાય છે. લોકો પોતાના બાળકોને શાળાએ મોકલતા પણ ડરવા લાગ્યા છે. લોકો ઘરમાં પૂરાઈ રહેવાને કારણે ખેતરોના કામમાં પણ નુકશાન થવા લાગ્યું છે.
9માંથી 6 કેસ વણઉકેલ્યા
- 1 જુલાઈ 2023
બરેલી જિલ્લાના શાહી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આનંદપુર ગામમાં 55 વર્ષની પ્રેમવતીની હત્યા કરવામાં આવી હતી.
- 21 જુલાઈ 2023
બરેલી જિલ્લાના શાહી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલચા ગામમાં 50 વર્ષની ધનવતીની હત્યા કરવામાં આવી હતી.
- 1 નવેમ્બર 2023
બરેલી જિલ્લાના શીશગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લખીમપુર ગામમાં 65 વર્ષીય મહમુદનની હત્યા કરવામાં આવી હતી.
- 9 નવેમ્બર 2023
બરેલી જિલ્લાના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુર ગામમાં 65 વર્ષની ઓમવતીની હત્યા કરવામાં આવી હતી.
- 20 નવેમ્બર 2023
બરેલીના શાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુરાસૈનીમાં 65 વર્ષીય દુલારો દેવીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
- 26 નવેમ્બર 2023
બરેલી જિલ્લાના શીશગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જગદીશપુર ગામમાં 63 વર્ષની ઉર્મિલા દેવીની પણ હત્યા કરવામાં આવી હતી.
મહિલાઓની ઉંમર 50 થી 65 વર્ષની
હત્યાનો ભોગ બનેલી તમામ મહિલાઓની ઉંમર 50 થી 65 વર્ષની વચ્ચે છે. મતલબ કે હત્યારો કોઈ પણ હોય, તે માત્ર વૃદ્ધ મહિલાઓને જ નિશાન બનાવી રહ્યો છે. અત્યાર સુધી તેણે ન તો કોઈ પુરુષ કે કોઈ સગીર છોકરી કે સ્ત્રીનો જીવ લીધો છે. પરંતુ મહિલાઓની હત્યાની આ એક માત્ર પેટર્ન નથી, જે આ કેસોને એકબીજા સાથે જોડે છે. પરંતુ મહિલાઓની હત્યાના આ સંબંધમાં બીજી ઘણી બાબતો છે, જે સીરિયલ કિલિંગ તરફ ઈશારો કરે છે.
(અહીં જૂઓ આજના ટૉપ-10 સમાચાર)
નિર્જન વિસ્તારોમાંથી મૃતદેહો મળી આવ્યા
હત્યારાનો ભોગ બનેલી મહિલાઓના પરિવારજનોના જણાવ્યા અનુસાર, હત્યા કરાયેલી તમામ મહિલાઓના મૃતદેહ ગામની આસપાસના નિર્જન વિસ્તારોમાંથી મળી આવ્યા હતા અને લગભગ તમામ મહિલાઓની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ ત્યારે જ થઈ જ્યારે મહિલાઓ એકલી બહાર ગઈ હતી. લગભગ તમામ કિસ્સાઓમાં હત્યારાએ મહિલાઓની હત્યા કરવા માટે દુપટ્ટા અથવા ટુવાલ જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો. તેનો અર્થ એ છે કે મૃત્યુ પામેલી મહિલાઓની માત્ર ઉંમર જ નહી પણ હત્યાની પધ્ધતિ અને હથિયાર પણ સમાન છે.
હત્યારાનો હેતુ?
હવે આપણે તેના વિશે વાત કરીએ, જેના વિના કોઈ પણ હત્યાનો કેસ પૂરો થઈ શકે નહીં અથવા જેના વિના વિશ્વમાં કોઈ હત્યા ન થાય, એટલે કે હેતુ. કારણ કે, કોઈ પણ હત્યા પાછળ ચોક્કસ કોઈ હેતુ હોય છે. પરંતુ બરેલીમાં જે રીતે એક પછી એક મહિલાઓની હત્યા થઈ રહી છે, પોલીસ તેની પાછળનો કોઈ હેતુ શોધી શકી નથી.
કોઈ દુષ્કર્મ કે લૂંટ નહીં
કદાચ આ જ કારણ છે કે પોલીસ આ કેસોને ઉકેલવામાં અસફળ રહી. હત્યારાનો ભોગ બનેલી કોઈપણ મહિલા સાથે દુષ્કર્મ અથવા છેડતી જેવા જાતીય હુમલાની કોઈ ઘટનાનો કોઈ પુરાવો મળ્યો નથી. તે ઉપરાંત મહિલાઓ પાસે રહેલા પૈસા અને દાગીના પણ અકબંધ મળી આવ્યા હતા. એટલે કે આ હત્યાઓ પાછળ દુષ્કર્મ કે લૂંટનું કારણ નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે હત્યારો શા માટે મહિલાઓની હત્યા કરી રહ્યો છે?
શું આ સિરિયલ કિલિંગ છે?
મહિલાઓની હત્યા માટે દુષ્કર્મ કે લૂંટ જ એકમાત્ર કારણ નથી. હત્યાનું કારણ કોઈની સાથે દુશ્મની પણ હોઈ શકે છે. પરંતુ આ છ મહિલાઓના પરિવારજનો તેમને કોઈની સાથે દુશ્મની હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. અને આ જ કારણે પોલીસને આ કેસ ઉકેલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અને કદાચ આ જ કારણ છે કે આ કેસોને સીરિયલ કિલિંગ સાથે જોડવામાં આવી રહ્યા છે. કારણ કે આ પહેલા ઘણી વખત જોવા મળ્યું છે, જ્યારે માનસિક રીતે અસ્થિર લોકો અથવા સાયકો કિલર પસંદગીપૂર્વક કોઈ ચોક્કસ વર્ગના લોકોને નિશાન બનાવવાનું શરૂ કરે છે, પછી ભલે તેની તેમની સાથે કોઈ દુશ્મનાવટ હોય કે ન હોય.
અગાઉ પોલીસ તેને હળવાશથી લેતી હતી
શરૂઆતમાં બરેલી પોલીસે પણ આ બાબતોને હળવાશથી લીધી હતી. તે આ બધી બાબતોને એકબીજાથી અલગ જોઈ રહી હતી. પરંતુ નવમાંથી છ કેસ વણઉકેલ્યા હોવાથી હવે પોલીસને પણ એવું લાગવા માંડ્યું છે કે દાળમાં ચોક્કસ કંઈક કાળું છે.
શું ડ્રોન દ્વારા સીરીયલ કિલર શોધી શકાશે?
હવે જિલ્લા પોલીસની સાથે આઈજી ઝોન અને એડીજી જેવા વરિષ્ઠ અધિકારીઓએ પણ સિરિયલ કિલરના આ રહસ્યને ઉકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે. ગામડે ગામડે પોલીસની આઠ અલગ-અલગ ટીમો તેમના બાતમીદારોની મદદથી અનામી સિરિયલ કિલર વિશે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. ડ્રોન અને સર્વેલન્સ કેમેરા વડે એક પછી એક 250થી વધુ ગામોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સિરિયલ કિલિંગના બનાવોથી સૌથી વધુ પ્રભાવિત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સુરક્ષા બમણી કરવામાં આવી છે. તેમજ વિસ્તારમાં આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સત્ય એ છે કે આટલા પ્રયત્નો છતાં પણ આ મામલે પોલીસના હાથ ખાલી છે.
મહિલાઓની હત્યાનું કારણ અકબંધ
બરેલીના એસપી ગ્રામીણ મુકેશ ચંદ્ર મિશ્રાએ દુલારો અને ધનવતી દેવીની હત્યાના કેસોમાં તેમણે તેને હત્યા ગણવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસોમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મૃત્યુ કેવી રીતે થયું તે જાહેર કરી શક્યો નથી, તેથી પોલીસ હાલમાં આ કેસોને હત્યાના કેસ તરીકે ગણી રહી નથી.
આ સંજોગોમાં એક પછી એક હત્યા કરાયેલી મહિલાઓના હત્યારાઓ સુધી પોલીસના હાથ ન પહોંચે ત્યાં સુધી આ ઘટનાઓ અંગે રહસ્ય યથાવત રહેશે. એટલું જ નહીં, આવી સ્થિતિમાં તે અજાણ્યા સિરિયલ કિલરનો પણ ભય રહેશે જેની હવે પોલીસ સઘન રીતે શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો, ઠંડીનું સુપરફુડ છે બ્રોકલી, આ રેસિપીથી બનાવો ટેસ્ટી સુપ