ગુજરાતબિઝનેસ

‘મહિલા સશક્તિકરણ અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહિલાઓ મહત્વની ભુમિકા અદા કરી શકે છે’

Text To Speech

મહેસાણા: સાંસદ શારદાબેન પટેલની વિશેષ પ્રેરણાથી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને સાર્થક કરતા પાંચ બહેનોએ ભેગા મળીને દેદીયાસણ જી.આઈ.ડી.સી. ખાતે ગ્રાન્ડમાં કુકીઝ નામથી નવીન બેકરી બનાવી છે. જેનું ઉદઘાટન ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતિ ડૉ. દિપીકાબેન સરડવા અને પ્રદેશ મંત્રી શ્રીમતિ શ્રદ્ધાબેન જા દ્વારા કરવામાં આવ્યું. સાંસદ શારદાબેન પટેલ સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓના ઉત્થાન માટે હંમેશાથી કામ કરતા આવ્યા છે. તેઓ અમદાવાદ ખાતે ધરતી મહિલા વિકાસ નામની સંસ્થા સાથે છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી જોડાયેલા છે. જેની શરૂઆતના દિવસોમાં શારદાબેન જાતે દુકાને દુકાને ખાખરા અને અન્ય ચીજવસ્તુઓ વેચવા માટે આપી આવતા. આજે આ ધરતી વિકાસ મંડળમાં આશરે 80થી પણ વધારે બહેનો રોજગાર મેળવે છે. આ પ્રસંગે શારદાબેને જણાવ્યું કે, સરકારને બહેનો પાસે વિશેષ અપેક્ષા છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આપણી સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. ‘મહિલા સશક્તિકરણ અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહિલાઓ મહત્વની ભુમિકા અદા કરી શકે છે’

કોરોનાકાળમાં પણ શારદાબેન પટેલ દ્વારા બહેનો સાથે મળીને લાખોની સંખ્યામાં માસ્ક સીવ્યા હતા અને બહેનોને લાખો રૂપિયા રોજગાર આપ્યો હતો. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પાછલા ત્રણ વર્ષના સમય ગાળામાં શારદાબેન પટેલ દ્વારા ફતેહપુરા બાયપાસ સર્કલ પાસે આવેલા મહેસાણા જીલ્લાના RSETI સેન્ટરમાં 600થી પણ વધારે બહેનોને જુદા જુદા કૌશલ્યની ટ્રેનિંગ અપાવી છે. RSETI સેન્ટર ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થા છે જ્યાં સરકાર તરફથી 50થી પણ વધારે પ્રકારના કોર્સ મફતમાં રહેવા જમવાની સુવિધા સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને અહીંથી જે કોર્સ કરવામાં આવે છે તેનું સરકાર તરફથી સર્ટીફીકેટ આપવામાં આવે છે અને તે સર્ટીફીકેટના આધારે બેન્કમાંથી સબસિડી વાળી લોન પણ આસાનીથી મળી શકે છે. આમ મહેસાણાના સાંસદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ખુબ જ હકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે.

આજે શારદાબેન દ્વારા મહેસાણામાં પણ બેકરીના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી છે. અને તેઓ આશા વ્યક્ત કરે છે કે આ બેકરી પણ આગળ જતા આખા ગુજરાતમાં એક બ્રાન્ડ તરીકે ઉભરી આવશે. આ બેકરીમાં શુધ્ધતા, સ્વચ્છતા, હાઈજીન અને સ્વાસ્થ્ય સભર ગુણવત્તા યુક્ત સીઝન પ્રમાણે વિવિધ બિસ્કિટ અને અન્ય બેકરીની પ્રોડક્ટના પ્રોડકશન યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. શારદાબેન પટેલે જણાવ્યું કે આ બેકરીની વસ્તુઓ અત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએથી “ગ્રાન્ડ મા કુકીઝ” ની બ્રાંડથી વેચાતી મળશે. અને આગળ જતા ટૂંક સમયમાં “ગ્રાન્ડ મા કુકીઝ” ના એક્ષક્લુઝીવ વેચાણ આઉટ ખોલવામાં આવશે.

Back to top button