પાડોશીના પુત્રને ફરવા મુંબઈ લઈ ગયેલી મહિલા ડ્રગ્સની ખેંપ મારતી આવી, જાણો કેવી રીતે ભેજાબાજ ઝડપાઈ

રાજકોટ, 22 માર્ચ : જામનગરમાં રહેતી એક મહિલા પોતાના પાડોશમાં રહેતી સગીરને ફરવા મુંબઈ લઈ ગઈ હતી અને ત્યાંથી પરત આવતા તેણી રૂ.19.89 લાખની કિંમતનું ડ્રગ્સ લઈને આવતી હતી દરમિયાન રાજકોટ રેલ્વે સ્ટેશન પર ચેકિંગ વખતે રેલવે એસઓજીની ટીમે બંનેને ઝડપી લીધા હતા. પોલીસે આ બંને શખ્સોની પૂછતાછ કરતા જામનગરમાં રહેતા શખ્સે બંનેને દુરંતો એક્સપ્રેસની ટિકિટ આપી તેમજ એક ટ્રીપના રૂ.10 હજારની લાલચ આપી મુંબઈના શખ્સ પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવવા માટે કહ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ રેલવે એસઓજીના પીઆઇ વી.એન.સીંગરખીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેશભાઈ, એલસીબીના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેન, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ, કોન્સ્ટેબલ વનરાજભાઈ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર તપાસમાં ત્યારે પ્લેટફોર્મ નં.1 જય માતાજી ટી સ્ટોલ પાસે દુરંતો એક્સપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા તેમાંથી એક મહિલા તથા એક સગીર ઉતર્યા હતાં.
જેની હિલચાલ શંકાસ્પદ જણાતા મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેનને બોલાવી આ બંનેને રોકી આ મહિલાની પૂછપરછ કરતા તેનું નામ સેતા યાસ્મીન અનવર (ઉ.વ 40 રહે. હાલ સૈયદી હોટલની પાછળ આવાસ કવાર્ટર, ગોલ્ડન સિટીની બાજુમાં જામનગર) હોવાનું જણાવ્યું હતુ. તેની સાથે રહેલ સગીર પણ જામનગરનો વતની હોવાનું માલુમ પડ્યું હતું. રેલ્વે પોલીસે મહિલાની અંગ જડતી લેતા તેની પાસે એક નાસ્તો તેમજ બ્લેન્કેટ હોય પરંતુ તેની નીચે કાળા પ્લાસ્ટિકના ઝબલામાં સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ પાવડર જણાતા આ બાબતે એફએસએલ અધિકારી સાથે પરીક્ષણ કરાવી તેનો અભિપ્રાય લેતા આ શંકાસ્પદ પદાર્થ મેફોડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે બેગમાંથી મળેલી આ કોથળીમાંથી રૂ. 19.89 લાખની કિંમતનું 198.8 ગ્રામ કબજે કર્યું હતું. એમડી ડ્રગ્3સનો આ જથ્થો એક મોબાઈલ ફોન ટ્રેનની જનરલ કોચની ચાર ટિકિટ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 20.06 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઝડપાયેલ મહિલા સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40) અને સગીરની પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે, જામનગરમાં રહેતા અજરૂ નામના શખ્સે બંનેને ટ્રેનની આવક જાવકની ટિકિટ તેમજ એક ટ્રીપના રૂ.10,000 આપી મુંબઈમાં નિઝામ નામના શખ્સ પાસેથી માદક પદાર્થનો જથ્થો લાવવા માટે કહ્યું હતું. જેથી તે બંને મુંબઈ ગયા બાદ નિઝામ પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લઈ આવતા હોવાનું જણાવ્યું હતું. જે અંગે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી અજરૂ તથા નિઝામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :- અમરેલી લેટરકાંડ : કોંગ્રેસ નેતાનો પાટીદાર દિકરીનું મનોબળ તોડવાનો આક્ષેપ